મોટી ખીલોરીમાંથી નશાકારક ટેબલેટનો જથ્થો મળ્યા મામલે દેરડીકુંભાજીના મેડિકલ સામે કાર્યવાહી થશે

21 September 2023 12:27 PM
Rajkot
  • મોટી ખીલોરીમાંથી નશાકારક ટેબલેટનો જથ્થો મળ્યા મામલે દેરડીકુંભાજીના મેડિકલ સામે કાર્યવાહી થશે
  • મોટી ખીલોરીમાંથી નશાકારક ટેબલેટનો જથ્થો મળ્યા મામલે દેરડીકુંભાજીના મેડિકલ સામે કાર્યવાહી થશે

રૂરલ એસઓજીની તપાસનો છેડો અક્ષર મેડિકલ સુધી પહોંચતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કામગીરી આરંભી

♦ અગાઉ ચાર કિલો ગાંજા સાથે પકડાયેલ અરજણ બાબરીયાના મકાનમાંથી નશાકારક 100 ટેબલેટ મળતા તેની પૂછપરછમાં મેડિકલમાંથી લાવ્યાનુ ખુલ્યું હતું

રાજકોટ, તા.21

ગોંડલના મોટી ખીલોરીમાંથી નશાકારક અલ્ટ્રાઝોલમ ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે તપાસનો છેડો દેરડી કુંભાજીના અક્ષર મેડિકલ સુધી પહોંચ્યો હતો. મેડિકલ સંચાલકે ગેરકાયદે આ ટેબ્લેટ આરોપીને આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા મેડિકલ સામે કાર્યવાહી થઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કામગીરી
આરંભી છે. ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓની તપાસમાં મેડીકલ સંચાલકે ગેરકાયદે આ ટિકડીઓ આપી હોવાનું પુરવાર થશે તો અક્ષર મેડિકલનું લાયસન્સ રદ થઈ
શકે છે.

આ અંગે રાજકોટ રૂરલ એસઓજીના સૂત્રોએ આપેલી માહિતિ મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા નશાના દુષણને ડામવા માટે વધુમાં વધુ કેસ કરવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમના એએસઆઈ અતુલભાઇ ડાભી હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, અમિતભાઇ કનેરીયા, વિજયભાઇ વેગડ, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, અમિતદાન ગઢવી, કાળુભાઇ ધાધલ, એએસઆઈ રાયધનભાઇ ડાંગર સાથે સુલતાનપુર પોલીસ મથક વિસ્તારમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, અરવિંદભાઈ દાફડા અને ભગીરથસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ મોટી ખીલોરીના આરોપી અરજણ રણછોડ બાબરીયા(પટેલ) (ઉ.વ.64)એ તેના ઘરમાં નશાકારક અલ્ટ્રાઝોલમ ટેબલેટનો જથ્થો રાખ્યો છે. જેથી આરોપીના ઘરે દરોડો પાડતા આવી 100 ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. જે કબ્જે કરવામાં આવેલ.

એસઓજીની ટીમે આગવી ઢબે આરોપીની પૂછપરછ કરતા તે દેરડી કુંભાજીના અક્ષર મેડીકલમાંથી આ ટેબલેટ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજીએ તુરંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી મેડિકલ ખાતે તપાસ કરી હતી. હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તેના સ્તરેથી કરવાની કામગીરી આરંભી છે. ગેરકાયદે આ ટિકડીઓ આપી હોવાનું પુરવાર થશે તો અક્ષર મેડિકલનું લાયસન્સ રદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અરજણ પટેલ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં એસઓજીના હાથે ચાર કિલો ગાંજા સાથે ઝડપાયો હતો. તે જેલ હવાલે હતો ત્યારે બાદ દોઢ માસ પૂર્વે જ જેલમુક્ત થયો હતો. જે પછી પોતાને નશાની આદત હોવાથી દેરડી કુંભાજીના અક્ષર મેડિકલનથી એ દવા નશો કરવા લાવ્યો હોવાનું આરોપીએ કહ્યું હતું. હાલ ટેબ્લેટ મામલે સુલતાનપુર પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement