માલામાલ ગણાતા અમેરિકાનું રાષ્ટ્રીય દેવુ પહેલી વાર 33 અબજ ડોલરને પાર

21 September 2023 12:28 PM
India World
  • માલામાલ ગણાતા અમેરિકાનું રાષ્ટ્રીય દેવુ પહેલી વાર 33 અબજ ડોલરને પાર

◙ દેવું કરીને ઘી પીતું અમેરિકા!

◙ અમેરિકાનું દેવું ભારતના જીડીપી કરતા 10 ગણું વધુ: અમેરિકાની હવે લોન લેવાની ક્ષમતાની મર્યાદા આવી

વોશિંગ્ટન, તા.21
જમાદાર ગણાતા અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલી વખત 33 હજાર અબજ ડોલર એટલે કે 33 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. અમેરિકા માટે જંગી દેવું મોટી સમસ્યા સાબિત થઈ શકે છે અને 2019 પછી ફરીથી યુએસમાં ફેડરલ શટડાઉનની શક્યતા છે. ભારતનું જીડીપી હજુ 3.75 ટ્રિલિયન ડોલરની આસપાસ છે ત્યારે અમેરિકાનું દેવું જ ભારતના જીડીપી કરતા લગભગ 10 ગણું વધારે છે. અમેરિકાની ઋણ લેવાની ક્ષમતાની હવે મર્યાદા આવી ગઈ છે. આ મર્યાદા વધારવા અને વધુ દેવું કરવા માટે યુએસ કોંગ્રેસ દ્વારા લગભગ એક ડઝન બિલ પસાર કરવા પડશે. આમ કરવામાં નહીં આવે તો તેની ફેડરલ કામગીરી ઠપ થઈ જશે.

વર્ષ 2001થી અમેરિકાનું રાષ્ટ્રીય દેવું દર વર્ષે વધતું ગયું છે કારણ કે સરકારે ટેક્સ અને અન્ય આવકની સરખામણીમાં વધારે ખર્ચ કર્યો છે. ઉચ્ચ રાષ્ટ્રીય દેવાનો અર્થ એ થયો કે સરકારે દેવા પર વ્યાજ ભરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે. તેના કારણે ભવિષ્યની મંદીનો સામનો કરવાની તેની ક્ષમતા ઘટી જાય છે.

અમેરિકામાં ફેડરલ સ્પેન્ડિંગના મુદ્દે સરકારમાં વિવાદ ચાલે છે ત્યારે સરકારે જેમ તેમ કરીને તેની દેવું કરવાની લિમિટ વધારવી પડે તેમ છે. 30 સપ્ટેમ્બર સુધીમાં સરકારે આ અંગેના તમામ કામ નિપટાવી દેવા પડશે નહીંતર શટડાઉન લાગુ થઈ જશે. બાઈડેનના વહીવટીતંત્ર દ્વારા કેટલાક ફેડરલ ખર્ચના કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા.

જેમાં ધારણા કરતુ વધુ ખર્ચ થાય તેવી શક્યતા છે. 2022માં ઈનફ્લેશન રિડક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો જેનાથી એક દાયકામાં 400 અબજ ડોલરનો ખર્ચ થાય તેવો અંદાજ હતો. પરંતુ ક્લિન એનર્જી ટેક્સ ક્રેડિટની એટલી બધી ડિમાન્ડ છે કે સરકારને આ પ્લાન 400 અબજ ડોલરના બદલે 1 ટ્રિલિયન ડોલર (એક લાખ કરોડ ડોલર)માં પડે તેવી સંભાવના છે.

કોવિડ વખતે સરકારે જે રાહતો આપી હતી તે હજુ પણ ભારે પડી રહી છે. કોવિડ દરમિયાન સરકારે કંપનીઓને એમ્પ્લોયી રિટેન્શન ક્રેડિટ આપી હતી જેમાં લગભગ 55 અબજ ડોલરનો ખર્ચ થશે તેવી ધારણા હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ 230 અબજ ડોલર કરતા વધુ આવશે. આ પ્રોગ્રામમાં ફ્રોડ થવાની શક્યતા વધી હોવાના કારણે આઈઆરએસ દ્વારા તેને ફ્રીઝ કરી દેવાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement