ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી 3 વન-ડે મેચોની શ્રેણી પૈકીની પ્રથમ મેચ મોહાલી ખાતે રમાશે, જયારે બીજી વન-ડે ઇન્દોર ખાતે અને શ્રેણીની અંતિમ વન-ડે રાજકોટમાં રમાશે. ભારતે તાજેતરમાં શ્રીલંકામાં રમાયેલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવીને આ સ્પર્ધાનો કુલ 8મો ટાઇટલ પ્રાપ્ત કર્યો હતો. ભારતે શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરીને ભારતે 10 વિકેટે ફાઇનલ જીતી હતી. ભારત માટે મોહમ્મદ સિરાઝે ફાઇનલમાં 21 રનમાં 6 વિકેટો ઝડપીને શ્રીલંકન બેટીંગ હરોળ છિન્નભિન્ન કરી નાખી હતી.
એશિયા કપ જીતનારી ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી રમશે. જયારે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં દ.આફ્રિકા સામે રમાયેલી પાંચ વન-ડે મેચોની શ્રેણી 3-2થી ગુમાવી હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ વન-ડે શ્રેણી વિશ્ર્વકપ અગાઉની મહત્વની શ્રેણી છે, જેમાં ભારત વિજય મેળવવા આશાવાદી છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે કુલ 146 વન-ડે મેચો રમાઇ છે, જેમાંથી ભારતે પ4 વન-ડે અને ઓસ્ટ્રેલિયાએ 8ર વન-ડે મેચો જીતવાનો કીર્તિમાન નોંધાવ્યો છે. માત્ર 10 મેચો અનિર્ણીત સમાપ્ત થઇ છે. ઘર આંગણે ભારતે 30 મેચો જીતી છે. બંને દેશો વચ્ચે રમાયેલી છેલ્લી 3 વન-ડે શ્રેણીમાંથી ઓસ્ટ્રેલિયાએ બે શ્રેણીઓ જીતી છે. 2020માં રમાયેલી ભારતમાં 3 મેચોની શ્રેણી ભારતે 2-1થી જીતી હતી
જયારે 20-21 અને 2023માં ઓસિઝે બંને શ્રેણીઓ 2-1ના માર્જીનથી જીતી છે. હવે ફરીથી બંને દેશો ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમવા જઇ રહી છે. ત્યારે શ્રેણી ખુબ જ મહત્વની સાબિત થશે. રોહિત શર્માના સફળ નેતૃત્વમાં ભારતે એશિયા કપમાં વિજય પ્રાપ્ત કર્યો છે અને હવે ભારત અને ઓસિઝ શ્રેણી વચ્ચેની શરૂઆતી બે વન-ડેમાં કેએલ રાહુલને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે, જયારે ઉપકપ્તાન રવિન્દ્ર જાડેજા છે. રાજકોટ ખાતે રમાનારી 27મી સપ્ટેમ્બરની મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડયા ફરી એકશનમાં આવી જશે. સંભવત: રાજકોટની મેચ કદાચ શ્રેણી માટે નિર્ણાયક સાબિત પણ થાય.બંને દેશો વચ્ચે રમાયેલ વન-ડે મેચોમાં શ્રેષ્ઠ વ્યકિતગત સ્કોરનો વિક્રમ રોહિત શર્માના નામે છે.
તેણે 2013માં બેંગ્લુરૂ ખાતે રમાયેલી વન-ડેમાં 209 રનની બેવડી શતકીય ઇનિંગ્ઝ રમી હતી. અત્યાર સુધી ભારતના સચીન તેંડુલકરે બંને દેશો તરફથી સર્વાધિક કુલ રન નોંધાવવાનો વિક્રમ સ્થાપ્યો છે. તેણે 71 વન-ડે રમીને 3077 રન સાથે 9 સદીઓ નોંધાવી છે જેમાં તેનો શ્રેષ્ઠ જુમલો 175 રનનો રહ્યો છે. દ. આફ્રિકા સામે વન-ડે શ્રેણી ગુમાવનારી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ સ્મિથ, મેકસવેલ તથા મિચેલ સ્ટાર્કની ઇજાઓને કારણે ગેરહાજરી હતી, પરંતુ ભારત સામેની શ્રેણીમાં માર્નસ લાંબુસને ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે. પેટ કમિન્સના નેતૃત્વમાં એલેકસ કેરી કેમરૂન ગ્રીન, હેઝલવુડ, મિચેલ માર્શ, મેકસવેલ, સ્ટીવ સ્મીથ, વોર્નર અને એડમ ઝામ્પા સારા દેખાવની અપેક્ષા રાખે છે જયારે ભારતીય ટીમમાં અનુભવી ખેલાડીઓમાં રોહિત, વિરાટ અને હાર્દિકને આરામ અપાયો છે. તેથી ભારતે ઓસિઝને હળવાશથી લેવાની જરૂર નથી. ટુંકમાં ભારત માટે આ શ્રેણી એક પડકારસમાન બની રહેશે.
1લી વન-ડે 22 સપ્ટેમ્બર-મોહાલી
2જી વન-ડે 24 સપ્ટેમ્બર-ઇન્દોર
3જી વન-ડે 27 સપ્ટેમ્બર-રાજકોટ
બંને દેશો વચ્ચે રમાયેલા વન-ડે મેચો
કુલ મેચ - 146
ભારત વિજેતા - 54
ઓસ્ટ્રેલિયા વિજેતા - 82
અનિર્ણીત મેચો - 10
સૌથી વધુ કુલ રન : 3077 - સચિન તેંડુલકર - 71 મેચ સૌથી વધુ સદીઓ - 9 શ્રેષ્ઠ જુમલો : 175
સૌથી વધુ વિકેટો : 55 - બ્રેટ લી - 32 વન-ડેમાં
ભારત-ઓસ્ટ્રેલિયા સૌથી વધુ રન નોંધાવનારા બેટધરો
ખેલાડી - મેચ - રન - શ્રેષ્ઠ - સદી
સચિન તેંડુલકર - 71 - 3077 - 175 - 9
રોહિત શર્મા - 42 - 2251 - 209 - 8
વિરાટ કોહલી - 46 - 2172 - 123 - 8
રિકી પોન્ટીંગ - 59 - 2164 - 140 - 6
સ્ટીવ સ્મીથ - 24 - 1145 - 149 - 5
ડેવિડ વોર્નર - 22 - 1013 - 128 - 3
ગોલંદાજ - મેચ - વિકેટો
બ્રેટ લી - 32 - 55
કપિલ દેવ - 41 - 45
જહોનસન - 27 - 43
સ્ટીવ વો - 53 - 43
અજીત અગરકર - 21 - 36
શ્રેષ્ઠ ટીમ જુમલા
દેશ - ટીમ જુમલો - સ્થળ - વર્ષ
ઓસ્ટ્રેલિયા - 4/389 - સિડની - 2020
ભારત - 6/383 - બેંગ્લોર - 2013
ઓસ્ટ્રેલિયા - 6/374 - સિડની - 2020
ભારત - 1/365 - જયપુર - 2013
ઓસ્ટ્રેલિયા - 6/359 - જો.બર્ગ - 2019
શ્રેષ્ઠ ભાગીદારીનો વિક્રમ
ભાગીદારી - વિકેટ - રન - સ્થળ - વર્ષ
વોર્નર-ફિન્ચ - 1 - 258 - વાનખેડે - 2020
સ્મિથ-બેલી - 3 - 242 - પર્થ - 2016
પોન્ટીંગ-માર્ટીન - 3 - 234 - જો. બર્ગ - 2003
વોર્નર-ફિન્ચ - 1 - 231 - બેંગ્લોર - 2017
પોન્ટીંગ-હેડન - 2 - 219 - વિ.પટ્ટનમ - 2001