રાજકોટ. તા.21
જેતપુરના બોરડી સમઢીયાળાની સીમમાં કેબલ ચોરતી ગેંગ ત્રાટકી હતી અને દસ ખેતર નિશાન બનાવી કુલ 1410 ફૂટ કેબલ વાયરની ચોરી કરી તસ્કર નાસી છૂટતાં જેતપુર તાલુકા પોલીસ પણ દોડતી થઈ હતી અને સઘન તપાસ હાથ ધરી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે જેતપુરના બોરડી સમઢીયાળામાં રહેતાં નવનીતભાઈ નારણભાઈ હીરપરા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બોરડીસમઢીયાળા ફજેતીવાડી સીમ તરીકે ઓળખાતી સીમમા સર્વે નં.446 પૈકી 01 ની બાર વીઘા જમીન આવેલ છે.ગઇ તા.20/09/2023 ના વહેલી સવારના મને અમારા શેઢા પાડોશીનો ફોન આવેલ અને જણાવેલ કે, આપણી સીમમાથી વાડી વિસ્તારમાંથી કેબલની ચોરી થયેલ છે. જેથી વાડીએ જઈ જોયુ તો મારી વાડીની ઓરડી પાસે રાખેલ આશરે 700 ફુટ જેટલો કોપરનો પટ્ટી વાયર રૂ.15 હજાર જોવામા આવેલ નહી, જે વાયરની કોઈ અજાણ્યાં શખ્સો ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
ફરિયાદીએ આજુબાજુના ખેડુતોને આ બાબતે પુછતા તેઓએ જણાવેલ કે, રાત્રીના સમય દરમ્યાન અમારી વાડીએથી પણ કોપરના પટ્ટી કેબલની ચોરી થયેલ છે. જેમા અતુલભાઈ બચુભાઈ બુટાણીનો કેબલ આશરે 100 ફુટ, જગદીશભાઈ બાબુભાઈ ભુવાનો કેબલ આશરે 50 ફુટ, હેમંતભાઈ રવજીભાઈ દુધાત્રા કેબલ આશરે 50 ફુટ, દીપકભાઈ વલ્લભભાઈ બુટાણીનો કેબલ આશરે 50 ફુટ, કાળુભાઈ ટપુભાઈ બુટાણી કેબલ આશરે 40 ફુટ, રોહીતભાઈ ડુંગરસીભાઈ હીરપરા કેબલ આશરે 40 ફૂટ, મનસુખભાઈ મોહનભાઈ બુટાણી કેબલ આશરે 300 ફુટ, અશોકભાઈ રૈયાભાઈ સેંજલીયાનો કેબલ આશરે 50 ફૂટ, વીનુભાઈ નારણભાઈ બારૈયાનો કેબલ આશરે 30 ફૂટ તથા પાડોસી ખેડુતોનો મળી કોપરનો પટ્ટી કેબલ આશરે 1410 ફુટ રૂ.આશરે 31020 કોઈ અજાણ્યો તસ્કરો ચોરી કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોને દબોચવા ચક્રો ગતિમાન કર્યા હતાં.