રાજકોટ, તા. 21
શાપરમાં આવેલ સીએનજી પંપ પાસે ડિલક્ષ પાનના ગલ્લે જુની અદાવતનો ખાર રાખી બે યુવક પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરતા ઘવાયેલા યુવકોને સારવારમાં રાજકોટ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલના ગુંદાસરા ગામે રહેતો રાજેશ વિરજીભાઇ ધુમડા (ઉ.વ.ર8) અને શાપરમાં રહેતા પ્રદીપભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.31) ગઇકાલે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ શાપરમાં આવેલ સી.એન.જી. પંપ પાસેના ડિલક્ષ પાનના ગલ્લે ફાકી ખાતા હતા ત્યારે ધસી ગયેલા પુષ્પરાજસિંહ અને તેમની સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરીથી માથાના ભાગે અને ગળામાં હિંચકારો હુમલો કરી નાસી છુટયા હતા. ગંભીર રીતે ઘવાયેલ બંને યુવકોને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઇજાગ્રસ્ત રાજેશના ભાભીએ પુષ્પરાજસિંહના સંબંધી રવિરાજ સામે એટ્રોસીટીની અગાઉ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી હુમલો કર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે શાપર પોલીસે ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.