રાજકોટ, તા.21
રાજકોટમાં ખાખીનો સિંઘમ અવતાર જોવા મળ્યો છે. ભાજપ આયોજિત ગણેશોત્સવમાં મોડે સુધી માઈક વાગતા પોલીસ દોડી ગઈ હતી અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવી હતી. રાજકોટના રેસકોર્સ મેદાનની આ ઘટના છે. 10 વાગ્યા પછી સ્પીકર વાગતું હોય કોઈએ ક્ધટ્રોલ રૂમમાં જાણ કરી દેતા પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઈ હતી.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં રોજ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે બુધવારે રાત્રે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતના આગેવાનો હાજર હતા.
રાત્રીના 10 વાગ્યા પછી માઇક નહીં વગાડવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. પણ આ કાર્યક્રમમાં રાત્રીના 10.30 વાગ્યે જોરશોરથી માઇક વગાડવામાં આવી રહ્યું હતું. દૂર સુધી અવાજ સંભળાય તે રીતે મ્યુઝિક સિસ્ટમ વાગી રહી હતી. જેથી કોઈ નાગરિકે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યાંથી પ્ર.નગર પોલીસને જાણ કરતા પીએસઆઇ કમલેશ ભગોરા ભાજપ આયોજિત ગણેશોત્સવમાં સ્થળ પર પહોંચ્યા હતા અને રાત્રીના 10 વાગ્યા પછી માઇક વગાડવા પર પ્રતિબંધ હોવાનું કહી કાર્યક્રમ પૂરો કરવા ભાજપ આગેવાનોને સૂચિત કર્યા હતા. ભાજપ પ્રમુખની હાજરીમાં પોલીસે પહોંચી કાર્યક્રમ અટકાવવાનું કહેતા એક રીતે સ્થળ પર સોંપો પડી ગયો હતો.
આ તકે સામસામી દલીલો થઈ હતી. જેને પગલે પીએસઆઇએ ગેરવર્તન કર્યાનું પણ કહેવાયું હતું. જોકે કાયદો નિયમ સમજાવી માઈક બંધ કરાવવામાં આવ્યું હતું. એવું પણ જાણવા મળે છે કે, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ સીપી સાથે વાત કરી લઉં છું, તેમ કહી પીએસઆઇએ ગેરવર્તણૂક કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે પીએસઆઇએ પણ કહીં દીધું હતું કે આ ગેરવર્તણૂક નહીં પરંતુ કાયદાનું પાલન કરાવી રહ્યો છું.