જોરાવરનગરની પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત

21 September 2023 01:26 PM
Surendaranagar
  • જોરાવરનગરની પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત
  • જોરાવરનગરની પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત
  • જોરાવરનગરની પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત
  • જોરાવરનગરની પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત

પ્રોહિબિશનનાં ગુનામાં પકડાયેલા શખ્સે ઓઢવા માટે આપેલી ચાદરથી ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.21

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આરોપીએ આત્મહત્યા કરી હોવાની ઘટના ઘટી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જોરાવરનગરમાં પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલા ગેલાભાઈ પાટડીયા નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક આરોપીને પ્રોહિબિશનના ગુનામાં જોરાવરનગરમાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. અહીં તેને ઓઢવા માટે એક ચાદર આપવામાં આવી હતી, જેને ફાડીને તે આરોપીએ લોકઅપ રૂમમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બીજી બાજુ પોલીસ કસ્ટડીમાં જ આરોપીએ આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી બાબતે પણ સવાલો ઉભા થયા છે. આરોપીએ આત્મહત્યા કરતા તેનો પરિવાર આઘાતમાં સારી પડ્યો છે.

સુરેન્દ્રનગર અને રતનપર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં દારૂ પીને દંગલ મચાવી પરિવારજનોને હેરાન પરેશાન કરવાના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે રતનપર ખાતે રહેતાં અનુ.જાતિના પરિવારના શખ્સ દ્વારા અવાર-નવાર દારૂ પીને ગાળો બોલી ગેરવર્તન કરતાં હોવાની જોરાવરનગર પોલીસ મથકે લેખીત અરજી બાદ પોલીસે અટકાયત કરેલી શખ્સનું લોકઅપમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં મોત નીપજ્યું હતું. જે અંગે જોરાવરનગર મહિલા પી.એસ.આઈ. સહિતના સ્ટાફ સામે અનેક સવાલો ઉભા થયા

રતનપર વાલ્મીકી વાસમાં રહેતાં અનુ.જાતિના વિશાલભાઈ પાટડીયાના પિતા ગેલાભાઈ ટપુભાઈ પાટડીયા ઉ.વ.અંદાજે 43વાળા અવારનવાર ઘરે આવીને ગાળો બોલતા હતા અને પરિવારજનોને સળગાવી દેવાની ધમકી આપતા હતાં જે અંગે અનેક વખત સમજાવવા છતાં ન માનતા આ મામલે જોરાવરનગર પોલીસ મથકે ઈલાબેન પાટડીયાએ લેખીત અરજી કરી હતી. જેના ભાગરૂપે જોરાવરનગર પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરી લોકઅપમાં પુરી દેવામાં આવ્યા હતાં. તે દરમ્યાન લોકઅપની અંદર આવેલ બાથરૂમમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં શખ્સ ગેલાભાઈની લાશ ફરજ પરના પીએસઓને મળી આવી હતી અને આ અંગે જોરાવરનગર પીએસઆઈ સહિતના સ્ટાફને જાણ કરતાં લાશનો કબ્જો લઈ પી.એમ.અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ બનાવની જાણ થતાં ડી.વાય.એસ.પી., એચ.પી.દોશી સહિત એલ.સી.બી., પી.આઈ., વી.વી.ત્રિવેદી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં લોકઅપમાં રહેલી ગોદડાની એક સાઈડની પટ્ટી વડે ગળેફાંસો ખાધો હોવાની જણાઈ આવ્યું હતું જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથઘરી છે. જોરાવરનગર પોલીસ લોકઅપમાં સામાન્ય અરજીના આધારે અટક કરેલ શખ્સે લોકઅપમાં ગળેફાંસો ખાઈ લેતાં મૃતકના પરિવારજનોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું અને આત્મહત્યા કરવા પાછળનું કારણ અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી ત્યારે બીજી બાજુ જોરાવરનગર પોલીસ છેલ્લા ઘણા સમયથી વિવાદોથી ઘેરાયેલી છે ત્યારે ફરી એકવાર લોકઅપમાં શખ્સે આત્મહત્યા કરતાં આ બનાવ ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો અને પરિવારજનો દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠી હતી.


Advertisement
Advertisement
Advertisement