(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.21 : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુદાજુદા બે ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી દવાની અસર થવાના બનાવ બન્યા હતા.જેમાં બે યુવાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એક યુવાને હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવેલા તિરિયાભાઈ અમથાલાલ પાડવી (ઉંમર 20) રહે.વાંકીયા કરશનભાઈની વાડીએ તા.હળવદ વાળો ખળમાં છાંટવાની દવા પી ગયો હોય તેને મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
જ્યારે હળવદ તાલુકાના જ જુના દેવડીયા ગામે ગોરધનભાઈ લક્ષ્મણભાઈની વાડીએ ઝેરી દવાની અસર થતા મહેન્દ્રભાઇ ટેટાભાઈ રાઠવા જાતે આદિવાસી નામના 35 વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરીયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમીક પુછપરછમાં સામે આવ્યું હતું કે મહેન્દ્રભાઈ રાઠવા ખેતરમાં કપાસમાં દવા છાંટી રહ્યા હતા અને દવા વાળા ગ્લાસમાં ભૂલથી પોતે પાણી પી જતાં તેને અસર થઈ હતી.જેના લીધે તેને સારવાર માટે મોરબી લવાયો હતો.
મારામારીમાં ઇજા
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન બલુભાઈ ભોજવીયા નામના 50 વર્ષના વૃદ્ધાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.મારામારીનો બીજો બનાવ મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં શુભમ પ્રકાશભાઇ શર્મા (ઉમર 23) ને સમયના ગેઇટ પાસે શનાળા રોડ ઉપર મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો
મોરબી: વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા અશ્વિનભાઈ રમેશભાઈ દવે નામના 23 વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મહિલા સારવારમાં
મોરબીના નાની બજાર વિસ્તારમાં આવેલ ચૌહાણ શેરી વિસ્તારમાં રહેતા સાહિસ્તાબેન મકસુદભાઈ બ્લોચ નામની 22 વર્ષની મહિલાએ તેના ઘરે ફિનાઇલ પી લીધું હતું.જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.