મોરબીના યુવાને કારખાનામાંથી ભાગીદારી છૂટી કરતાં ભાગીદારોએ જ કરી 65 લાખની છેતરપિંડી

21 September 2023 01:59 PM

  • મોરબીના યુવાને કારખાનામાંથી ભાગીદારી છૂટી કરતાં ભાગીદારોએ જ કરી 65 લાખની છેતરપિંડી

ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોનીપાર્ક પાસે સાનિધ્ય પાર્કમાં રહેતા યુવાને માળિયા તાલુકાના ખાખરેચી ગામ પાસે આવેલ એમ.બી. સિરામિક એલએલપી કારખાનામાં ભાગીદારી કરી હતી અને ભાગીદારી છૂટી કરતા સમયે 1.15 કરોડ રૂપિયા બે ભાગમાં આપવાની બાહેધરી આપવામાં આવી હતી જોકે 50 લાખ રૂપિયા આપ્યા બાદ બાકીના 65 લાખ રૂપિયા ન આપવામાં આવ્યા હોવાથી વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની યુવાને તેના બે પૂર્વ ભાગીદાર સહિતના ત્રણ વ્યક્તિઓની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક નજીક સાનિધ્ય પાર્કમાં અવધ બી એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ ઉર્ફે ચિરાગભાઈ જગદીશભાઈ પટેલ (39)એ હાલમાં તેના બે પૂર્વ ભાગીદાર મુકેશભાઇ બચુભાઈ લીખીયા રહે. 102 સંગમ એપાર્ટમેન્ટ ક્રિષ્ના સોસાયટી નવા બસ સ્ટેશન સામે મોરબી તથા ગૌરાંગભાઈ મગનભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી સનાળા રોડ મોરબી તેમજ રાકેશભાઈ ચુનીલાલ પટેલ રહે, સરદાર સોસાયટી પરીન પેલેસ સનાળા રોડ મોરબી વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે

જેમાં તેણે જણાવ્યું છે કે, તે એમ.બી. સિરામિક એલએલપીમાં ભાગીદાર હોય તેણે બજારમાંથી તેમજ સગા સંબંધીઓ પાસેથી પૈસા મેળવીને વર્ષ 2020 થીઓ 2021 સુધીમાં 1.95 કરોડ રૂપિયા ફેક્ટરીમાં મુકેશભાઈ બચુભાઈ લીખીયાને આપેલ હતા. કંપની નુકસાનીમાં જતા ફરિયાદીને એમ.બી. સીરામીક એલએલપીની પાર્ટનરશીપ રીટાયર્ડ એગ્રીમેન્ટમાં સહી કરવા બદલ ત્રણેય આરોપીઓએ 1.15 કરોડ બે ભાગમાં આપવાની બાંહેધરી આપી હતી જેથી ફરિયાદીએ સહી કરી આપી હતી

ત્યારે 30/6/22 ના રોજ તેને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જોકે, બાકીના 65 લાખ રૂપિયા હજુ સુધી તેને આપવામાં આવેલ નથી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તેના બે પૂર્વ ભાગીદાર સહિત ત્રણ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ બનાવની આગળની વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.બી. બાબરીયા ચલાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement