► બંબીહા ગેંગના વડાને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીઓના વરસાદથી ઠાર માર્યો: ભારતમાં બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી ભાગી છુટયો હતો
► કેનેડામાં વસતા ખાલીસ્તાનીઓનો ખાસ સમર્થક હતો: બે ગેંગ વચ્ચેની લડાઈ હોવાનો કેનેડા પોલીસનો દાવો
ઓટ્ટાવા,તા.21
કેનેડામાં ગત જૂન માસમાં ખાલીસ્તાની તરફી નેતા હરદીપસિંહ નિજજરની હત્યાના પગલે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા તનાવ હજુ વધતો જ જાય છે ત્યાં આજે જ કેનેડામાં વધુ એક ખાલીસ્તાની સમર્થક ગેંગસ્ટર સુખાની ગોળી મારીને હત્યા કરાતા તનાવ વધે તેવા સંકેત છે. 2017માં બનાવટી દસ્તાવેજોના આધારે પંજાબથી કેનેડા નાસી છુટેલા સુખદુલસિંહની આજે કેનેડાના મનીતોબા પ્રાંતના વિન્નીપેગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સુખા એ ખાલીસ્તાની આંદોલનનો સૌથી મોટો ટેકેદાર હતો અને માનવામાં આવે છે કે, કેનેડામાં જે રીતે પંજાબની અનેક ગેંગ કામ કરી રહી છે. તેમાં આંતરિક ઝઘડામાં સુખાની હત્યા કરવામાં આવી છે.
ભારતથી ભાગી છુટયા હોવા છતાં પણ તેણે કેનેડાએ આશરો આપ્યો હતો અને ખાલીસ્તાની ત્રાસવાદી આકાશદીપસિંહ ઉર્ફે અર્ષ ડાલા જે ભારતમાં વોન્ટેડ છે તેનો ખાસ સાથીદાર મનાતો હતો. કેનેડામાં તેને એ કેટેગરી ગેંગસ્ટર તરીકે સન્માન અપાતું હતું. તેણે ખોટા ડોકયુમેન્ટના આધારે ભારતમાં પાસપોર્ટ મેળવીને બાદમાં કેનેડા નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
ભારત અને કેનેડા વચ્ચે જે રીતે ખાલીસ્તાનીઓના મુદે તનાવ સર્જાયો છે તેમાં આ હત્યા બળતામાં ઘી હોમશે તે નિશ્ર્ચિત છે. કેનેડાએ ફકત ખાલીસ્તાની જ નહી પંજાબના ગેંગસ્ટરોનું પણ સામ્રાજય છે અને સુખાની હત્યાથી ગેંગવોર પણ વધશે તેવી શકયતા છે.
નિજજરની માફક જ હત્યા: 15 ગોળીઓ ધરબાઈ
શુખાને ગઈકાલે રાત્રે અજાણ્યા લોકોએ બરહેમીથી ગોળીઓનો વરસાદ કરીને મારી નાંખ્યો હતો. કેનેડામાં પોલીસના જણાવ્યા મુજબ શુખાની હત્યાથી તેની બંબીહા ગેંગને સામે અન્ય ગેંગ પડી હોવાનું મનાય છે. તે ગોળીબારમાં જીવતો ન રહે તે નિશ્ચિત કરવામાં આવ્યું હતું.