► અગાઉ દિલ્હીની શાકમાર્કેટ તથા હરીયાણાના ખેતરોમાં પણ પહોંચ્યા હતા: પંજાબમાં ટ્રક સવારી પણ કરી હતી
નવી દિલ્હી,તા.21
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે અચાનક જ પાટનગરના આનંદવિહાર રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા તેઓએ કુલી જેવો જ યુનિફોર્મ પહેર્યો હતો અને પોતે મુસાફરનો સામાન માથે ઉપાડીને તેમને સ્ટેશન સુધી પહોંચાડયા હતા અને બાદમાં કુલીઓ સાથે વાતચીત પણ કરી હતી.
આજે કોંગ્રેસે આ પોષ્ટ કરીને લખ્યું કે જનનાયક રાહુલ ગાંધી જ આજે આનંદવિહાર રેલ્વે સ્ટેશન પર કુલી સાથીઓને મળ્યા હતા. રાહુલે અગાઉ જ કુલીઓ સાથે વાતચીતની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી અને આજે તેઓ અચાનક જ પહોંચી ગયા હતા. તેઓએ સ્ટેશન પર કુલીઓ સાથે વાતચીત કરી અને સામાન્ય લોકોને પણ મળ્યા હતા તે સમયે રાહુલ ગાંધી ઝીંદાબાદના નારા લાગ્યા હતા.
રાહુલ અગાઉ 1 ઓગષ્ટના રોજ દિલ્હીના આઝાદપુર શાકમાર્કેટ પહોંચી ગયા હતા અને ફળ તથા શાકભાજી ખરીદવા આવેલી ગૃહિણીઓ સાથે વાતચીત કરી હતી અને વેચનારાઓને પણ મળ્યા હતા. અગાઉ તેઓ હરિયાણાના સોનીપતમાં ખેતરોમાં પહોંચી ગયા હતા અને ટ્રેકટર પણ ચલાવ્યું હતું અને ખેડુતોની સમસ્યા જાણી હતી.
જુન માસમાં તે દિલ્હીના એક ગેરેજ ખાતે ગયા હતા અને મીકેનીકની જેમ બાઈક રિપેર કરી હતી. તેઓએ અગાઉ અંબાલાથી ચંદીગઢ સુધી 50 કી.મી.ની ટ્રક યાત્રા પણ કરી હતી તો મે માસમાં બેંગ્લોરમાં ડીલીવરીબોય સાથે તેઓ ફર્યા હતા.