જામનગર,તા. 21
જામનગર નજીક દરેડમાં આવેલ બ્રાસપાર્ટ દેશ અને દુનિયામાં ખ્યાતનામ છે. આ ઉદ્યોગમાથી પ્રત્યેક્ષ અને પરીક્ષા રીતે લાખો લોકો રોજગારી મેળવે છે. પરંતુ બ્રાસપાર્ટ વેપાર સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ અવારનવાર પરપ્રાંતીય ધંધાર્થીઓની છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. જે અંગે છાશવારે પોલીસ ફરિયાદ પણ સામે આવતી હોય છે.
આવી સ્થિતિ વચ્ચે જામનગર નજીક દરેડ ફેઈસ 3 માં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા એક વેપારી સાથે દિલ્હીના શખ્સે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. આરોપીએ પોતાની પેઢીના નામે રૂપીયા 5.18 લાખનો બ્રાસપાર્ટનો માલ સામાન ખરીદી લીધા બાદ નાણાં ચૂકવવામાં હાથ ઊંચા કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના વેપારીઓ માટે આંખ ઉઘાડનાર કિસ્સા સમાન વિગત એવી છે કે જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા અને દરેડ જી.આઈ.ડી.સી. ફેસ -3 માં અભય મેટલ નામનું કારખાનું ચલાવતા નીરજભાઈ નિલેશભાઈ દોમડીયા છેતરપીંડીનો ભોગ બન્યા છે. આ વેપારી પાસેથી દિલ્હીના મોહમ્મદ હુસેન નામના શખ્સ ને ગત 10.5.2023 ના દિવસે બ્રાસના બુસ સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી. માલ સામાન ખરીદી લીધા બાદ રૂપિયા આપી દેવાના વિશ્વાસ સાથે આરોપીએ માલ મંગાવી લીધો હતો.
બાદમાં માત્ર 40 હજાર ચૂકવી બાદમાં આરોપીએ જામનગરના વેપારીને રૂપિયા 5.18.376 ની રકમ આપવાની થતી હતી. જોકે આરોપીઓએ રૂપિયા આપવાને બદલે સંપર્ક તોડી નાખ્યો હતો અને ચૂકવવાની બાકી રહેતી રકમ આજ દિન સુધી નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
જેને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદને આધારે આરોપી સામે આઈપીસી કલમ 406 મુજબ ગુનો નોંધી તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે. આ કિસ્સાને લઈને વેપારીમાં ઉહાપોહ સર્જાયો છે.