જામનગર,તા21
જામનગર ખાતે આવેલ લીમડા લાઈન વિસ્તારમાં મોબાઇલ વિક્રેતા પેઢી પર સીજીએસટીની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન ગાઇકાલે બપોરથી લઈને રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જામનગરના લીમડા લાઇન ઉપરાંત ક્રિકેટ બંગલા સામે આવેલ માધવ પ્લાઝા કોમ્પલેક્ષ સહિતના વિસ્તારમાં મોબાઇલ શો રૂમમાં સેન્ટ્રલ જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દેખરેખ હેઠળ 20 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેને લઈને મોબાઈલના ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.
જામનગરના લીમડા લઈને વિસ્તાર મોબાઈલ ખરીદી માટે એકમાત્ર સ્થળ હોય તેમ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં મોબાઇલની દુકાનો આવેલી છે. ત્યાં મોટું ટર્નઓવર ધરાવતી પેઢીઓના શોરૂમ આ વિસ્તારમાં આવેલા છે. જેમાં ગઈકાલે બુધવારે જીએસટીના અધિકારીઓ દોડી ગયા હતા અને સ્ટોક તેમજ બિલ સહિત કાયમી હિસાબોની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઉપરાંત માધવ પ્લાઝા ખાતે આવેલી પેઢીઓમાં પણ જવાબદારો અને હિસાબ સંભાળતા કર્મચારીઓ- સંચાલકો પાસેથી અધિકારીઓએ જુદી જુદી માહિતી એકત્ર કરી હતી.
સિક્યુરિટીના બંદોબસ્ત સાથે જીએસટીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતા મોબાઈલના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો. મહત્વનું છે કે આ કાર્યવાહી દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ સામે આવી છે કે કેમ તે મામલે હજુ જીએસટી ટીમ દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી આ અંગે જીએસટી કચેરી દ્વારા વધુ વિગત બહાર પાડવામાં આવી શકે છે.