ભાગ્યે જ જોવા મળતા જમણી સુંઢના સિદ્ધિવિનાયકનું જામનગરમાં આવેલ મંદિર 303 વર્ષ જૂનું

21 September 2023 02:58 PM
Jamnagar
  • ભાગ્યે જ જોવા મળતા જમણી સુંઢના સિદ્ધિવિનાયકનું જામનગરમાં આવેલ મંદિર 303 વર્ષ જૂનું
  • ભાગ્યે જ જોવા મળતા જમણી સુંઢના સિદ્ધિવિનાયકનું જામનગરમાં આવેલ મંદિર 303 વર્ષ જૂનું

ગણેશચતુર્થી અને ગણેશજયંતિના દિવસોમાં ભક્તોના ઘોડાપૂર: રોજે ગણપતિને થાય છે અવનવા શણગાર: ગણપતિની સાથે રાધા કૃષ્ણ પણ બિરાજમાન: મંદિરમાં બે દ્વારખંડ: આસ્થા અને શ્રદ્ધાથી ભાવિકો આવે છે બાપ્પાના દર્શનાર્થે

જામનગર તા.21:
છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક ભગવાનના પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાનું એક છે શહેરના આણદાબાવાના ચકલા પાસે આવેલ ગણપતિજીનું મંદિર. જામનગર શહેરમાં ભગવાન ગણેશના ઘણા ઓછા મંદિરો આવેલા છે. તેમાં પણ હાલ ગણેશજયંતિનો મહોત્સવ ચાલી રહ્યો હોવાથી દરેક જ્ગ્યાએ બાપ્પા મોરયા... ગણપતિના જયજય કારથી સવાર તથા સાંજના સમયે વાતાવરણ ગુંજી ઊઠે છે.

ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.

જામનગર શહેરના આણદાબાવાના ચકલા પાસે આવેલ ગણપતિજી ના મંદિરનો અનેરો જ મહિમા છે. મંદિરની વીષેશતાઓ અંગે જણાવીએતો પ્રાંગણમાં પીપડાનું ઝાડ આવેલ છે અને મંદિરમાં બે દ્વારખંડ આવેલા છે. જ્યાં પ્રથમ દ્વારખંડમાં ગણેશજી તથા રિધ્ધિ સિદ્ધિ બિરાજમાન છે અને બીજા દ્વારખંડમાં રાધા ક્રુષ્ણ બિરાજમાન છે. આશરે 303 વર્ષ પહેલા ગણપતિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પૌરાણિક કથાઓ અનુસાર જમણી સૂંઢના ગણપતિ ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે શહેરમાં આવેલ આ મંદિરમાં જમણીસૂંઢ ધરાવનાર ગણપતિ છે. આ ઉપરાંત રાધા કૃષ્ણ અને ગણપતિજી એક જ મંદિરમાં સ્થાપિત હોય તેવું પણ ભાગ્યે જ જોવા મળે. માટે મંદિરનું મહત્વ અનેકગણું છે.

મંદિરના પૂજારી ગૌતમભાઈ અનિલભાઈ દવેએ જણાવ્યુ હતું કે તેઓની 5 પેઢી છેલ્લા 125 વર્ષથી પુજા કરે છે. અને રોજે સવારે ગણપતિને સ્નાન કરાવી દરેક દિવસે અવનવા વાઘા પહેરાવવામાં આવે છે. મંદિરમાં અનેક ઉત્સવો જેમ કે જન્માષ્ટમી, વામનજયંતિ, ગણેશચતુર્થી, ગણેશજયંતિ જેવા અનેક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી થાય છે. અને માનવ મહેરામણ ઉમટી પડે છે. ગણપતિના દર્શનાર્થે રોજે બહોળી સંખ્યામાં ભાવિકો આવે છે. તેમાં પણ ગણેશજયંતિ અને ગણેશચતુર્થીના તહેવારોમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

♦ જમણીસૂંઢના ગણપતિનું મહત્વ
ગણેશજીની સીધી સૂંઢ ત્રણે દિશાઓ દેખાય છે. જ્યારે સૂંઢ જમણી બાજુ હોય છે ત્યારે તેની પિંગલા સ્વર અને સૂર્યથી પ્રભાવિત માનવામાં આવે છે. આવી પ્રતિમાનું પૂજન વિઘ્ન વિનાશની પરાજય, વિજય પ્રાપ્તિ, ઉગ્ર તથા શક્તિ પ્રદર્શન જેવા કાર્યોમાં ફળદાયી માનવામાં આવે છે. તેવી જ રીતે ડાબી બાજુ વળેલી સૂંઢ વાળી મૂર્તિ ને ચંદ્ર પ્રભાવિત માનવામાં આવે છે.

આવી મૂર્તિની પૂજા આવા કાર્યોમાં કરવામાં આવે છે જેમ કે શિક્ષા, ધનપ્રાપ્તિ, વ્યવસાય, ઉન્નતિ, સંતાનસુખ, સર્જન કાર્ય અને પારિવારિક ખુશહાલી. સીધી સૂંઠવાળી મૂર્તિ ને સુષુમા સ્વર માનવામાં આવે છે. અને તેની આરાધના રિદ્ધિ સિદ્ધિ, કુંડલિની જાગરણ, મોક્ષ, સમાધિ વગેરે ના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. સંત સમાજ આવી જ મૂર્તિની આરાધના કરે છે સિદ્ધિવિનાયક મંદિરમાં જમણી બાજુ સૂંઢવાળી મૂર્તિ છે અને તેથી મંદિરની આસ્થા આજે શિખર પર છે.


Advertisement
Advertisement
Advertisement