જામનગર,તા.21
જામનગરની જિલ્લા જેલ જાણે વિવાદનો વડલો બની ગયો હોય તેમ અવારનવાર ચર્ચાના ચકડોળે ચડતી હોય છે. જિલ્લા જેલમાંથી છાસવારે મોબાઈલ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરની જિલ્લા જેલમાં ચેકિંગ દરમિયાન બે કેદીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેને લઈને તપાસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.એક મોબાઇલ ફોન અને એક બેટરી કબજે કરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગરની જિલ્લા જેલમાં જેલર ગ્રૂપ -2 ના ઘનશ્યામભાઈ એમ. પટેલ અને જેલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન મયુર આલાભાઇ હાથલીયા અને હિતેશ ઉર્ફે ફોગો રાઠોડ નામના બે કેદીની શંકાસ્પદ હાલતમાં તપાસ કરવામાં આવતા બે કેદીઓ પાસેથી સિલ્વર કલરનો એક મોબાઈલ ફોન અને એક નંગ મોબાઈલની બેટરી સહિતનો જથ્થો મળી આવ્યા હતા.
જેને લઈને જેલ સ્ટાફ દ્વારા મોબાઈલ ફોન અને બેટરી કબજે કરી લઈ જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયા છે, અને બન્ને કેદીઓ સામે આઇપીસી કલમ 188 તેમજ તેમજ પ્રિઝન એક્ટની કલમ 42,43, 45 મુજબનો ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ કરી છે.