જામનગર તા.21:
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુપોષિત અભિયાનને વેગ આપતો સંવેદનશીલ નિર્ણય કરી એક અનેરી પહેલ કરી છે.
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ તકે જણાવ્યું છે કે દેશનું દરેક બાળક સુપોષિત બને અને કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ થાય તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા અનેક યોજનાઓ અને નીતિઓ અમલમાં મુકાઈ છે ત્યારે આવા યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસે જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના નોંધાયેલ તમામ કુપોષિત બાળકોને આગામી એક વર્ષ સુધી દર માસે અમારા પરિવાર તરફથી વિનામૂલ્યે પોષણ કીટનું વિતરણ કરવાનો નિર્ણય કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આ અભિયાનમાં સહભાગી થવાનો નિર્ણય કરાયો છે.દેશના દરેક બાળકો કુપોષણ મુક્ત બને અને સમગ્ર દેશ સ્વસ્થ અને નિરામય રહે તેવી પણ મંત્રીશ્રીએ આ તકે મંગલ કામના વ્યક્ત કરી હતી.