♦ સાંજે ચર્ચા બાદ ઉપલુ ગૃહ પણ સર્વાનુમતે મંજુર કરે તેવા સંકેત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પહોંચી તમામનો આભાર માન્યો
નવી દિલ્હી,તા.21
દેશની નવી સંસદમાં ગઈકાલે સર્વાનુમતે લોકસભાએ મહિલા અનામત ખરડો મંજુર કર્યા બાદ આજે તે રાજયસભામાં રજુ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાને તે પુર્વે લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમને સર્વાનુમતે મંજુર કરવા બદલ તમામનો આભાર માન્યો હતો. ગઈકાલે લોકસભામાં 454 વિરુદ્ધ 2 મતે આ ખરડો પસાર થયો હતો.
ફકત એઆઈએમઆઈએમના વડા અસદુદીન ઔવેસી અને ઈમ્તીયાઝ જલીલ એ ખરડાના વિરોધમાં મતદાન કર્યુ હતું પરંતુ લોકસભાએ આ ખરડો જે રીતે મંજુર કર્યો તે બદલ વડાપ્રધાને આજે સવારે ગૃહમાં હાજર થઈને આ બીલ મંજુર થવા બદલ આભાર માનતા કહ્યું કે આપણે સૌ યશના અધિકારી છીએ.
કોઈ એક પક્ષ કે કોઈ એક વ્યક્તિ નહી આપણે આ અધિકાર મહિલાઓને આપ્યો છે. બીજી તરફ આજે રાજયસભામાં કાનુનમંત્રી અર્જુન મેઘવાલે ખરડો રજુ કર્યો હતો અને રાજયસભા પણ આજે પુરા દિવસની ચર્ચા બાદ સાંજે સર્વાનુમતે મંજુર કરે તેવા સંકેત છે.