જામનગર,તા.21
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવ મંદિરે પૂજારી અને દર્શને આવેલ વેપારી યુવાન વચ્ચે મારામારી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ કેંસની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત એવી છે કે મંગળવારે બપોરના સમયે ગામમાં રહેતાં બ્રાસપાર્ટના વેપારી દિનેશભાઈ શાંતિભાઈ ધારવીયા નામના યુવાન પૂજા માટે ગયા હતાં. આ વેળાએ પૂજારી કર્ણદેવસિંહે વેપારીને તમારે પૂજા કરવામાં વાર લાગે છે તેમ કહી અપશબ્દો બોલી મંદિરમાં લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ મામલે દિનેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ સામાપક્ષી કર્ણદેવસિંહે પણ આરોપી દિનેશ શાંતિલાલ વિરૂદ્ધ રાવ કરી જણાવ્યું હતું કે દિનેશભાઇ બપોરે મંદિરે પૂજા કરવા આવ્યા હતાં ત્યારે પૂજા કરવામાં કેટલો સમય લાગશે ?તેવો સવાલ કરતા તે ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલી ડોલ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હાલ આ પ્રકરણમાં પોલીસે બને પક્ષે તપાસ આદરી છે.