મહરાજગંજ (ઉતરપ્રદેશ) તા.21
અહી એક તામસી પ્રકૃતિનાં યુવાને એક પાંચ વર્ષની બાળકીને ચાકુનાં અસંખ્ય ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ બાળકીની ભૂલ એ હતી કે તેણે યુવકની સાયકલને સ્પર્શ કર્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે પાંચ વર્ષની બાળકી રીમઝીમ તેની સહેલીઓ સાથે પાર્કમાં રમતી હતી ત્યારે આરોપી દિપકકુમાર કે જે મુસહર ગામનો મજુર છે તેણે ત્યાં સાયકલ ઉભી રાખી હતી. દરમ્યાન રમતી બાળકીએ કિચડ ભર્યા હાથે સાયકલની સીટે અડી જતાં ઉશ્કેરાયેલા દિપકકુમારે ચાકુ કાઢીને બાળકી પર વાર કર્યા હતા. જયાં સુધી બાળકી મરી નહિં ત્યાં સુધી ચાકુનાં વાર તે કરતો રહ્યો.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીનો સ્વભાવ ચિડીયો છે. અગાઉ પણ લોકો સાથે ઝઘડો કરી મારપીટ તેણે કરી છે. પીડીતાના પિતાએ આરોપીને અધિકતમ સજા આપવાની માંગ કરી છે.