દંતેવાડા તા.21 : છતીસગઢમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે નકસલીઓ મોટા હુમલાની ફિરાકમાં હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મોટા માઓવાદી લીડરોએ ગત 2 મહિનામાં બસ્તરમાં ડેરા તંબુ તાણ્યા છે અને દંતેવાડા, બીજાપુર, સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં નવા યુવકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ખરેખર તો એક દિવસ પહેલા દંતેવાડા ડીઆરજી અને બસ્તર ફાઈટર્સ ફોર્સ જિલ્લાના કકાડી, તહાડી, હિડપા અને નાના હિડમાના જંગલમાં ઘુસી હતી. અહીં નકસલીઓ સાથે અથડામણ થઈ હતી. લગભગ અડધા કલાકની અથડામણ દરમિયાન જવાનોએ બે મહિલા નકસલીઓને ઠાર કરી હતી.
જયારે જવાનોએ ઘટના સ્થળે શોધખોળ કરી તો ખબર પડી કે અહીં નકસલીઓનો ટ્રેનીંગ કેમ્પ હતો. 40 લાખનું ઈનામ જેના માટે જાહેર થયું છે. તે ખુંખાર નકસલી કમાન્ડર ચેતુ અને ડીવીસીએમ એસીએમ કેડરના હથિયારધારી નકસલી પણ ત્યાં હાજર હતા, ચેતુની દેખરેખ હેઠળ સંગઠનમાં સામેલ નવા યુવાનોને ટ્રેનીંગ આપવામાં આવી રહી હતી, ચેતુ સહિત અન્ય નકસલી જંગલનો સહારો લઈ ભાગી નીકળ્યા હતા. ઘટના સ્થળે અને દસ્તાવેજો જપ્ત થયા હતા. પોલીસે નકસલીઓના ટ્રેનીંગ કેમ્પને ધ્વસ્ત કર્યો હતો.