રાજકોટ તા.21 : મુંબઈ શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે મંદીનો આંચકો હતો.હેવીવેઈટથી માંડીને રોકડાના તમામ શેરોમાં આક્રમક-સાર્વત્રીક વેચવાલીથી ગાબડા પડયા હતા. સેન્સેકસ વધુ 600 પોઈન્ટ તૂટયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનું જ બની રહ્યું હતું. અમેરીકી ફેડરલ રીઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો કર્યો ન હોવા છતાં હજુ આકરી ધિરાણનીતી જારી રાખવાનો નિર્દેશ કરતાં સાવચેતી હતી. ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વધુને વધુ ખરાબ થવા લાગતા આવતા દિવસોમાં વ્યાપાર વ્યવહારને અસર થવાની આશંકાથી ગભરાટ હતો.
વિદેશી નાણા સંસ્થાઓએ વેચવાલી આક્રમક બનાવી હોય તેમ બુધવારે 3000 કરોડથી વધુ માલ ફુંકી માર્યો હોવાના આંકડા જારી થતાં ખચકાટ ઉભો થયો હતો.જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારતના કેનેડા સાથેનાં તણાવ અને બગડતા સંબંધોનો પ્રત્યાઘાત છે. આ મામલે ચિત્ર સ્પષ્ટ થતા સુધી માર્કેટ ફરી સ્થિર થવાની સંભાવના ઓછી છે. ચોમાસુ નોર્મલ હોવાના રીપોર્ટ જેવા પોઝીટીવ કારણે ડીસ્કાઉન્ટ થયા હતા. શેરબજારમાં આજે મોટાભાગનાં હેવીવેઈટ શેરો ગગડયા હતા.
નેસલે, પાવરગ્રીડ,રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઈટન, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ટેક મહિન્દ્રા, ડો.રેડી ભારત પેટ્રો જેવા શેરોમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 614 પોઈન્ટના કડાકાથી 66186 હતો તે ઉંચામાં 66608 તથા નીચામાં 66137 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 167 પોઈન્ટના ગાબડાથી 19733 હતો જે ઉંચામાં 19848 હતો તથા નીચામાં 19716 હતો. કોમોડીટી એકસચેંજમાં સોનામાં 400 રૂપિયા તથા ચાંદીમાં 900 નું ગાબડુ હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 83.15 હતો.