► વિદેશ-સંરક્ષણ મંત્રી નારી બન્યા છે ભાજપે ગૌરવ લીધુ: આ તો કેવી નારી વંદના જયાં ગેંગરેપ થાય છે: મણીપુરના સાંસદનો આકરો જવાબ
નવી દિલ્હી: ગઈકાલે લોકસભામાં મંજુર કરેલા નારી શક્તિ વંદના અધિનિયમ બાદ હવે આજે રાજયસભામાં રજુ કરાયુ હતું અને સાંજે તેના પર મતદાન સાથે પસાર થશે તેવા સંકેત છે. બાદમાં તે રાષ્ટ્રપતિને સહી માટે મોકલશે. ભાજપના સાંસદ સરોજ પાંડેએ આ ખરડાને નારીશક્તિ વંદના અધિનિયમ નામ પર કહ્યું કે આ દેશમાં વિદેશ અને રક્ષા મંત્રાલય પણ મહિલા સંભાળી ચૂકયા છે અને પુરુષોને ગૃહ મંત્રાલય સોપાયુ હતું. જે દર્શાવે છે કે મહિલાઓ દેશની સરહદો સાચવવા તથા વિદેશમાં પણ ભારતને મજબૂત રીતે રજુ કરવા સક્ષમ છે.
જો કે માર્કસવાદી સાંસદ ઈલામારમ કરીએ મણીપુરમાં મહિલાઓ સાથે જે રીતે ગેંગરેપ-નિર્વસ્ત્ર ફેલાવાની ઘટનાઓ બની તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ કેવી નારી વંદના છે. કોંગ્રેસના નેતા રણજીત રંજને આરોપ મુકયો કે ભાજપને જરૂર પડે તો નારી વંદના શરૂ કરી છે અને ખાસ કરીને ચુંટણી સમયે તેને નારી યાદ આવે છે દેવી બનાવાય છે પછી નારીઓ પર અત્યાચાર થાય તો તેની ચિંતા થતી નથી. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં મહિલા અનામત ખરડો સર્વાનુમતે મંજુર કરવા બદલ તમામ સભ્યનો આભાર માન્યો હતો.