રાજકોટની ગરાસીયા બોર્ડિંગ પાસે રાત્રે માથાકૂટ, વિધર્મી યુવાનોએ તલવારથી હુમલો કરતા યુવરાજસિંહ ગોહિલ નામના છાત્ર ઘાયલ

21 September 2023 05:21 PM
Rajkot
  • રાજકોટની ગરાસીયા બોર્ડિંગ પાસે રાત્રે માથાકૂટ, વિધર્મી યુવાનોએ તલવારથી હુમલો કરતા યુવરાજસિંહ ગોહિલ નામના છાત્ર ઘાયલ
  • રાજકોટની ગરાસીયા બોર્ડિંગ પાસે રાત્રે માથાકૂટ, વિધર્મી યુવાનોએ તલવારથી હુમલો કરતા યુવરાજસિંહ ગોહિલ નામના છાત્ર ઘાયલ

બોર્ડિંગમાં ગણેશોત્સવ ચાલતો હોય, બહાર છાત્રો પ્રસાદી વેંચતા હતા ત્યારે જ વસીમ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી, જે પછી સમાધાન માટે જેએમસી હોટલ પાસે મળવા બોલાવી હુમલો કર્યો

♦ 10થી 12 લોકોના ટોળામાં આવેલા આરોપીઓ બોર્ડિંગના છાત્રો પર તલવાર, છરી, ધોકાથી તૂટી પડ્યા હતા
♦ રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર અને દૂધસાગર રોડના યુવાનો હોવાની શંકા, કેટલાકને રાતે જ પકડી લોકઅપમાં પુરી દેવાયા, સમાધાનની ચર્ચા
♦ રાત્રે જ ડીસીપી, એસીપી, સ્થાનિક પીઆઈ સહિતના દોડી ગયા, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી પણ હુમલાખોરોની શોધખોળમાં લાગી હતી

રાજકોટ, તા.21

રાજકોટના રજપૂતપરામાં આવેલ ગરાસીયા બોર્ડિંગ પાસે રાત્રે માથાકૂટ થઈ હતી. વિધર્મી યુવાનોએ તલવારથી હુમલો કરતા યુવરાજસિંહ ગોહિલ નામના છાત્ર ઘાયલ થયા હતા. બોર્ડિંગમાં ગણેશોત્સવ ચાલતો હોય, બહાર છાત્રો પ્રસાદી વેંચતા હતા ત્યારે જ વસીમ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. જે પછી સમાધાન માટે જેએમસી હોટલ પાસે મળવા બોલાવી હુમલો કર્યો હતો. 10થી 12 લોકોના ટોળામાં આવેલા આરોપીઓ બોર્ડિંગના છાત્રો પર તલવાર, છરી, ધોકાથી તૂટી પડ્યા હતા. રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર અને દૂધસાગર રોડના યુવાનો હોવાની શંકા છે. કેટલાકને રાતે જ પકડી લોકઅપમાં પુરી દેવાયા હતા. આ તરફ ગણેશોત્સવ ચાલતો હોય કોમી અશાંતિ ન ફેલાય તે માટે સમાધાનની ચર્ચા થઈ રહી છે. રાત્રે જ ડીસીપી સુધીર દેસાઈ, એસીપી, સ્થાનિક પીઆઈ ધવલ હરિપરા સહિતના દોડી ગયા હતા. આ તરફ ક્રાઈમ બ્રાંચ અને એસઓજી પણ હુમલાખોરોની શોધખોળમાં લાગી હતી.

આ અંગે હોસ્પિટલના બિછાને રહેલા યુવરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે, તેઓ રાત્રે હોસ્ટેલમાં હાજર હતા. તેઓ મૂળ બોટાદના ગઢાળી ગામના વતની છે અત્રે રાજકોટમાં અભ્યાસ કરે છે. ગણેશોત્સવની પ્રસાદી હોસ્ટેલ બહાર છાત્રો વેચી રહ્યા હતા ત્યારે કોઈ કારણો સર પ્રસાદી વેંચતા છાત્રો સાથે વસીમ અને તેની સાથેના અજાણ્યા યુવાનોને બોલાચાલી થઈ હતી.

જેથી હું, કુલદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ ગોહિલ વગેરે બહાર આવ્યા હતા અને ઝઘડો અટકાવ્યો હતો. ત્યાં વસીમના ભાઈનો ફોન આવ્યો હતો. તેણે સમાધાન માટે આવે છે તેમ કહ્યું. અમે લોકો કોર્પોરેશન ચોક રજપૂત પરામાં આવેલી જેએમસી હોટલ પાસે ઉભા હતા ત્યાં જ વાહનોમાં આવેલ 10થી 12 લોકોના ટોળાએ કંઈ પણ કહ્યા વગર સીધો જ અમારા ઉપર તલવાર, ધોકા, છરીથી હુમલો કરતા મને પગમાં કોઈ હથિયાર લાગ્યું હતું. જેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. યુવરાજસિંહની સુરક્ષા માટે પણ હોસ્પિટલમાં એસઆરપી બંદોબસ્ત રખાયો છે. રાત્રે બોર્ડિંગ પાસે પણ એસઆરપી જવાનો રખાયા હતા.

♦ બન્ને પક્ષના આગેવાનો સમાધાનના માર્ગે, વધુ એક ઇજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં દાખલ
છાત્રો અને યુવાનો વચ્ચે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલ યુવરાજસિંહ ગોહિલ ગત રાત્રે જ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. જ્યારે કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (ઉ.વ.22, રહે. ગરાસીયા છાત્રાલય રજપુત પરા શેરી નં. 5)ને પણ ઇજા થઇ હોય પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બાદ હવે તેઓ સિવિલ હોસ્પિટલમાં રીફર થયા હતા. આ તરફ બન્ને પક્ષના આગેવાનોએ શહેરમાં તહેવાર વખતે શાંતિ સ્થપાયી રહે. સામાન્ય બાબતમાં કોમી અશાંતિ ન ફેલાઈ તે માટે સમાધાન કરી લીધાની ચર્ચા છે અને એસીપીની હાજરીમાં બંને પક્ષના આગેવાનો એ ડિવિઝન પોલીસ મથકે એકત્ર થયા હતા. જેથી ફરિયાદ નોંધવામાં આવી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement