રેસકોર્ષ, નાના મવા ચોક સહિતના છ મેદાન ગરબા માટે ભાડે આપવા મનપા દ્વારા ટેન્ડર

21 September 2023 05:24 PM
Rajkot
  • રેસકોર્ષ, નાના મવા ચોક સહિતના છ મેદાન ગરબા માટે ભાડે આપવા મનપા દ્વારા ટેન્ડર

પ્રતિ ચો.મી. અપસેટ કિંમત રૂા.6 : તા.3 ઓકટોબર સુધીમાં ઓફર આપવાની મુદ્દત

રાજકોટ, તા.21 : રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી માટે જુદા જુદા વિસ્તારમાં આવેલા છ પ્લોટ ભાડે આપવાના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. તા. 13 ઓકટોબરથી ર4 ઓકટોબર સુધી આ મેદાનો કુલ 10 દિવસ માટે ભાડે આપવા કાર્યવાહી કરવામાં આવી છે.

એસ્ટેટ શાખાએ બહાર પાડેલા ટેન્ડરમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રેસકોર્ષમાં આવેલા બે મેદાન ભાગ-એ અને ભાગ-બી માટે ઓફર મંગાવવામાં આવી છે. 12800 ચો.મી. અને 12723 ચો.મી.ના પ્લોટ માટે પ્રતિ ચો.મી. અપસેટ કિંમત રૂા. 6-6 નકકી કરવામાં આવી છે. નાના મવા ચોકમાં પેટ્રોલ પંપ બાજુમાં 9438 ચો.મી.ના પ્લોટની પ્રતિદિન અપસેટ કિંમત પણ આ જ છે. સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેના 5388 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત પણ રૂા. 6 રાખવામાં આવી છે.

તો પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુમાં આવેલા 3073 ચો.મી.ના અને અમીન માર્ગ ખુણે ઝેડ બ્લુ સામેના 4669 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂા.5-5 છે. તમામ મેદાન માટે ઇએમડીની રકમ રૂા. એક લાખ નકકી કરવામાં આવી છે. આ મેદાન ભાડે રાખવા ટેન્ડર ભરવાની છેલ્લી તા. 3-10-23 હોવાનું એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement