રાજકોટ તા.21 : રાજકોટ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા છેલ્લા છ અઠવાડીયા દરમ્યાન બેંક ડીફોલ્ટરની 73.91 કરોડની 50 મિલકતોનો કબ્જો લઈ તેની બેંકો અને નાણાકીય સંસ્થાઓને સોંપણી કરી દેવામાં આવી છે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સરફેસી એકટ અંતર્ગત ડીફોલ્ટરોની મીલકતોનાં કબ્જા લેવાની ઝુંબેશ હજુ શરૂ રાખવામાં આવી છે. જેમાં આવા વધુ ડીફોલ્ટરોની અન્ય મીલકતોનાં કબ્જા લઈ બેંકોને સોંપવામાં આવશે.
અહી એ ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા હેઠળ માન્યતા પ્રાપ્ત બેન્કો દ્વારા આસામીઓને માંગણી મુજબ મીલકત સામે લોન આપવામાં આવે છે. બેંકો નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવતી આવી લોન બાકીદારો દ્વારા ભરવામાં ન આવતા લોન એન.પી.એ થાય છે. ત્યારબાદ જે તે બેંક નાણાકીય સંસ્થા દ્વારા ધી સીકયુરીટાઈઝેશન રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીકયુરીટી ઈન્ટરેસ્ટ એકટ 2002 ની કલમ 13 (2) અન્વયે 60 દિવસની આદેશાત્મક નોટીસ બાકીદારને બજવવામાં આવે છે.
બેંક નાણાકીય સંસ્થા દ્વારા સીકયોર્ડ મીલકતોનો કબ્જો લેવા માટે સરફેસ એકટ 2000 ની કલમ 13 (4) મુજબ કબ્જો લેવા માટે બેંકનાં અધિકાર છે. પરંતુ ફીઝીકલ પઝેશન ન અપાય તો સીમ્બોલીક પઝેશન માટેની નોટીસ આપી તેનુ પંચનામુ કરવામાં આવેલ છે. આમ છતાં બાકીદારો દ્વારા બેંકો-નાણાકીય સંસ્થાની ચડત વ્યાજ સહીતની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો સરફેસી એકટ 2002 ની કલમ-14 તળે સિકયોર્ટ એસેટસનો કબજો આપવા જીલ્લા મેજી.દરખાસ્ત કરવામાં આવે છે. આ દરખાસ્ત કરવામાં આવે છે
આ દરખાસ્ત પરત્વે બાકીદાર-અરજદારો તેમજ બેંક-નાણાકીય સંસ્થાને આધાર પુરાવાઓ રજુ કરવા સુનાવણી આપવામાં આવે છે. જે બાદ બાકીદાર જામીનદાર જે તે બેંકની ચડત વ્યાજ સહીતની રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ છે તેવુ જાહેર કરી સરફેસી એકટ 2002 ની કલમ 14 અન્વયે બાકીદાર જામીનદાર પાસેથી મીલકતોનો કબ્જો લઈ બેંકો નાણાકીય સંસ્થાના અધિકૃત અધિકારીને સોંપવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવે છે. આલ સરફેસી એકટની જોગવાઈ અંતર્ગત રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા તા.1-8 થી 12-9 દરમ્યાન રૂા.73,91,54.663 ની 50 જેટલી મીલકતોનાં કબ્જા કઈ બેંકોને સોંપવામાં આવેલ છે.