રાજકોટ, તા.21
શહેરના 150 ફૂટ રિંગ રોડ પાસે, સરદારનગર સોસાયટીમાં આવેલ લેઉવા પટેલ બોર્ડિંગમાં છાત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાના ગુનામાં ગૃહપતિ હસમુખ ચકુભાઈ વસોયા ઉર્ફે વસોયા બાપાની જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ધો.8 માં અભ્યાસ કરતા છાત્ર સાથે બોર્ડિંગનો ગૃહપતિ પંદર દિવસથી અવારનવાર પોતાના રૂમમાં લઈ જઈ બીભસ્ત વિડીયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર સગીરના કાકાએ માલવીયાનગર પોલીસ મથકમાં આઇપીસી 377 તથા પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપી ગૃહપતિની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી હસમુખએ જેલ મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે સ્પે.પોકસો કોર્ટમાં જામીન અરજી કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલની દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે ધો.8ના છાત્ર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનાર ગૃહપતિ હસમુખ વસોયાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગીયા રોકાયેલ હતા.