નર્સિંગ છાત્રાને મરવા મજબુર કર્યાના ગુનામાં ભાવિ નણદોયાના આગોતરા જામીન મંજુર

21 September 2023 05:34 PM
Rajkot
  • નર્સિંગ છાત્રાને મરવા મજબુર કર્યાના ગુનામાં ભાવિ નણદોયાના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.21

રાજકોટમાં નર્સિંગ છાત્રાને મરવા મજબુર કર્યાના ગુનામાં ભાવિ નણંદોયાના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા છે. સગાઈ તોડી નાખવા દબાણ કરાતા નર્સિંગ છાત્રાએ સરકારી ક્વાર્ટરમાં આપઘાત કરી લીધો હતો. જે અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.

આ કેસની વિગત મુજબ, મૃતક યુવતિની સગાઈ સિધ્ધરાજ અરવિંદભાઈ બારૈયા (રહે. વડોદરા, મુળ, સાંજણવદર, તા. ગઢડા, જી. બોટાદ) સાથે બે વર્ષ પહેલા થઈ હતી. સગાઈ તોડવા બાબતે મંગેતર આરોપી સિધ્ધરાજ ત્રાસ આપતો હતો. દરમિયાન સિધ્ધરાજનાં બેનની સગાઈ અજય ગાંડાભાઈ ડાભી (રહે. મોટી ખિલોરી, તા. ગોંડલ) સાથે થઈ હતી. યુવતિને સગાઈ તોડી નાખવા દબાણ કરાયું હોય તેમાં અજય પણ ત્રાસ આપતો હતો. જે સહન ન થતા યુવતિએ તા.9/8/2023ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ. જેથી મૃતકના પિતા પરષોતમભાઈ પરમશીભાઈ રોજાસરાએ સિધ્ધરાજ અને અજય સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી અજયકુમાર ડાભીને તેની ધરપકડની દહેશત હોય જેથી આરોપીએ તેમનાં એડવોકેટ મારફત રાજકોટ એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં આરોપીના એડવોકેટે દલીલ કરી કે, મૃતકને ત્રાસ આપવામાં આવેલ હોય તેવો કોઈ જ પુરાવો એફ. આઈ. આર. માં પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવતો નથી. ગુજરનાર તથા તેમના મામાનો દિકરો વોટસએપ મારફત આરોપી સાથે વાતચીત કરતા હોય તેમાં પણ આરોપી કયાંય ગુનાહિત કૃત્ય આચરેલ હોય તેવુ જણાય આવતુ નથી. સરકાર પક્ષે દલીલ થયેલી કે, આરોપી સામે 181 મહિલા હેલ્પલાઈન પર ફોન કરી ગુજરનારે ફરિયાદ કરેલ હોય જેથી હાલનાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરવા અરજ કરેલ હતી.

બન્ને પક્ષોને સાંભળી આરોપીના એડવોકેટની દલીલો ધ્યાને લઈ સેશન્સ જજે આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. આ કેસમાં આરોપી વતી ધારાશાસ્ત્રી અજય કે. જોષી, સ્તવન જી. મહેતા, નિકુંજ શુક્લા, કૃષ્ણ પટેલ, બ્રિજેશ ચૌહાણ, ઋષિ રૂપારેલીયા, ત્રિશુલ પટેલ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી, મદદનીશ તરીકે પ્રદિપ પરમાર, સત્યજીતસિંહ જાડેજા અને નિશાંત ચાવડા રોકાયેલ હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement