કરચોરી માટે ટેકનોલોજી! જવેલર્સોનાં કાળાનાણાંનું પગેરૂ જર્મનીમાં

22 September 2023 11:22 AM
Rajkot Gujarat
  • કરચોરી માટે ટેકનોલોજી! જવેલર્સોનાં કાળાનાણાંનું પગેરૂ જર્મનીમાં

♦ સુરતના જવેલર્સો પરના આવકવેરા દરોડામાં નવો ખુલાસો

♦ રાજકોટની સોફટવેર કંપનીએ જવેલર્સોનાં નાણાકીય ડેટા જર્મની સ્થિત સર્વરમાં સ્ટોર રાખ્યા હોવાથી મેળવવાનું મુશ્કેલ: એન્ટી-ફોરેન્સીક ટુલ્સનો ઉપયોગ કરાયાનો નિર્દેશ

♦ સામાન્ય રીતે મોટી કંપનીઓ આર્થિક વ્યવહારો માટે સોફટવેર કંપનીઓને કામ સોંપતી હોય છે, જવેલર્સોનાં આવા કારસ્તાનોથી ઈન્કમટેકસ તંત્ર પણ ચોંકયું: સોફટવેર ડેવલપરની પૂછતાછ

રાજકોટ,તા.22
ગુજરાતમાં છેલ્લા એક પખવાડીયામાં આવકવેરા વિભાગે બે મોટા દરોડા ઓપરેશન હાથ ધર્યા છે અને તેમાં કરચોરી-આવક છુપાવવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યાનો ભાંડો ફૂટતા અધિકારીઓ ચોંકી ગયા છે. મહત્વની વાત એ છે કે જર્મનીમાં કલાઉડ સર્વરની મદદથી આવક છુપાવવામાં આવી રહ્યાનું અને તે ક્રેક કરવાનું પણ મુશ્કેલ હોવાનું માલુમ પડયુ છે.

આવકવેરા વિભાગનાં આધારભુત સુત્રોમાંથી સાંપડેલી માહિતી પ્રમાણે ગત સપ્તાહમાં સુરતના હીરા વેપારીઓ તથા જવેલર્સો પર દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં અંદાજીત 2500 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો થયો હતો.દરોડામાં ઝપટે ચડેલા બન્ને હીરા-જવેલર્સ ગ્રુપના નાણાકીય વ્યવહારો રાજકોટ સ્થિત સોફટવેર કંપની દ્વારા સંભાળવામાં આવતા હતા અને તેનાં આધારે રાજકોટની સોફટવેર કંપનીનાં સંચાલકને પણ દરોડા કાર્યવાહીમાં આવરી લેવામાં આવ્યા હતા.

તપાસમાં એવુ બહાર આવ્યું છે કે, આ નાણાંકીય વ્યવહારો જર્મની સ્થિત કલાઉડ સર્વર દ્વારા રાખવામાં આવતા હોવાથી ટ્રેસ કરવાનું અત્યંત મુશ્કેલ છે.કંપની દ્વારા એન્ટી-ફોરેન્સીક ટુલ્સ (સાધનો)નો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી ડેટા મેળવવાનું વધુ મુશ્કેલ બને છે.

આવકવેરાનાં એક સીનીયર અધિકારીએ નામ નહિ દેવાની શરતે એમ કહ્યુ કે, આવક છુપાવતા કે કરચોરી કરતાં કરદાતાઓ પણ રેકોર્ડ રાખતા જ હોય છે. ત્યાર સુધી વિશ્ર્વાસું કર્મચારીઓ અથવા સ્લીપીંગ પાર્ટનર મારફત આવી નોંધ રાખવામાં આવતી હોવાનુ પકડાતું હતું પરંતુ આ વખતે નવી જ બાબત સામે આવી છે. અને તે ચોંકાવનારી છે. અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ છે.

સામાન્ય રીતે કંપનીઓ આઈટી કંપનીને રોકીને સોફટવેર મેળવતી હોય છે. પરંતુ આ વખતે તો પેઢીએ સોફટવેર કંપની રોકયાનું માલુમ પડયુ છે. સુરતમાં પણ અનેક આઈટી કંપનીઓ છે.કરદાતાને તેને કામ સોંપવાનું સરળ બનવા છતાં રાજકોટની કંપનીને કામ સોંપ્યુ તે બાબત પણ શંકા ઉપજાવે છે દરોડા વખતે કંપનીની ઓફીસમાં દરોડા વખતે કોઈ શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા ન હતા.

આ તકે સોફટવેર ડેવલપરની પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમીક તબકકે ગલ્લાતલ્લા કર્યા હતા. વધુ તપાસમાં એવુ ખુલ્યુ હતું કે બન્ને જવેલર્સ માટે જ ખાસ સોફટવેર બનાવ્યો હતો અને તેના ડેટા જર્મનીમાં સ્થિત સર્વરમાં સ્ટોર કર્યા છે. આ સર્વરમાં પહોંચવાનું શકય નથી.

એટલુ જ નહિં એન્ટી ફોરેન્સીક ટુલ્સનો ઉપયોગ કરીને ડેટા સ્ટોર કરાયા છે એટલે તે મેળવવામાં ફોરેન્સીક નિષ્ણાંતો પણ સફળ થવ વિશે શંકા છે. આવકવેરા વિભાગે એક જવેલરનાં 2017 થી 2022 સુધીનાં ડેટા મેળવી લીધા છે. બીજા જવેલર્સનાં માત્ર 18 માસના ડેટા જ મળી શકયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement