લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત વિધેયક નારી શક્તિ વંદના બુધવારે લોકસભામાં પસાર થઈ ગયું હતું અને ગઈકાલે ગુરુવારે રાજયસભામાં પણ આ વિધેયક સ્પષ્ટ બહુમતીથી પસાર થઈ ગયું હતું. આ વિધેયકના પક્ષમાં 214 વોટ પડયા હતા અને વિરુદ્ધમાં એક પણ વોટ પડયો નહોતો. આજે પીએમ મોદી સંસદમાં પહોંચ્યા
ત્યારે આ વિધેયક પસાર થઈ જવાની ખુશીમાં સંસદ ભવનમાં મહિલા સાંસદોએ વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર અભિવાદન કર્યુ હતું અને વડાપ્રધાનને બુકે આપીને સ્વાગત કર્યું હતું. 33 મહિલા અનામત વિધેયક નારી શક્તિ વંદના પસાર થતા સંસદ ભવનમાં તમામ મહિલા સાંસદો ખુશ જોવા મળતી હતી. મહિલા અનામત ખરડાને નારી શકિત વંદન નામ આપવામાં આવ્યું છે. દોઢ દાયકા કરતા વધુના સમયથી મહિલા અનામતની દિશામાં પ્રક્રિયા ચાલતી હતી
પરંતુ કોઇ રાજકીય પાર્ટી ગંભીરતાપૂર્વક તેમના અમલ માટે આગળ આવતી ન હતી. છેવટે મોદી સરકારે જ નવા સંસદ ભવનમાં પ્રથમ જ ખરડા તરીકે મહિલા અનામતને પસાર કરાવ્યો હતો. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ સમર્થન કર્યુ હતું. હવે રાષ્ટ્રપતિની મંજુરી બાદ જ કાયદો અમલી બનશે. વાસ્તવિક અમલ કયારે થાય છે તે હવે મહત્વનું બનશે.