જુનાગઢ, તા. 22
જુનાગઢ એસ.ટી. ડીવીઝનમાં ચેકીંગ દરમ્યાન બોગસ પાસનું કૌભાંડ ચેકીંગ દરમ્યાન બહાર આવતા ખળભળાટ એસ.ટી. વિભાગીય કચેરીમાં મચી જવા પામ્યો છે. બોગસ પાસનો ઉપયોગ કરનાર માણાવદર તાલુકાનાં દેશીંગા ગામના બે શખ્સોની પોલીસે અટક કરી છે. જયારે બોગસ પાસ બનાવી આપનાર પણ માણાવદરના સણોસરા ગામનો હોવાનું ખુલવા પામ્યું છે જે ઝડપાયેલા બંને આરોપીઓનો મિત્ર છે.
જુનાગઢ એસ.ટી. ડીવીઝન કંટ્રોલર શ્રીમાળી અને ડી.ટી.ઓ. ખાંભલાને મળેલી બાતમીના આધારે ઇન્ચાર્જ ટ્રાફિક ઇન્સ. યુવરાજસિંહ ભોવાનસિંહ જાડેજા તેમજ આસી. ટ્રાફિક ઇન્સ. હેતલભાઇ મથુરભાઇ રૂઘાણીએ ગઇકાલે જુનાગઢ ડેપો ખાતે સતાપર-જુનાગઢ લોકલ રૂટની જીજે 18 ઝેડ 4974 નંબરની એસ.ટી. બસના 75 જેટલા મુસાફરોની ટીકીટ ચેક કરી હતી.
જેમાં માણાવદરના દેશીંગા ગામના ગોપાલભાઇ મસરીભાઇ કંડોરીયા અને અભય જગદીશ કંડોરીયાએ પ0 ટકા ડિસ્કાઉન્ટવાળા પાસ બનાવ્યા હતા જેની ખરાઇ કરતા આ તારીખે કોઇ પાસ ઇશ્યુ થયા જ ન હતા. બંને પાસેથી બોગસ પાસ કબ્જે કર્યા હતા જેની માણાવદર પોલીસમાં ફરીયાદ ટ્રાફિક ઇન્સ. યુવરાજસિંહે નોંધાવતા પુછપરછમાં માણાવદર તાલુકાના સણોસરાનો તેનો મિત્ર રૂપેશ હરીશ રાઠોડનું નામ ખુલ્યું છે.