અમદાવાદ,તા.22
ઉંટ કાવે ઢેકા તો માણસ કરે ટેકા આ કહેવત મુજબ માણસ સમસ્યાનો તોડ કરી લેતો હોય છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા માટે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતાં.પણ લોકોએ તેનો તોડ કરી લેતા હાઈકોર્ટે હવે આવા બમ્પ પાસે કેમેરા લગાવવાનો આદેશ આવ્યો છે.જેથી ટ્રાફિકનો ભંગ કરનારાને ઓળખી શકાય
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપનને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જેની સુનાવણીમાં શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ હાઇકોર્ટે સરકારનો ઉઘડો લીધો હતો. તેમજ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી સામાન્ય લોકોને પડતી હાલાકી અને અકસ્માત મુદ્દે રાજ્ય સરકાર, અખઈ અને ટ્રાફિક પોલીસને કાયદાના કડક અમલ માટે આદેશ આપ્યા હતા. આ દરમિયાન હાઇકોર્ટની સુનાવણીમાં કોર્ટે સરકારનું ધ્યાન દોર્યું હતું કે, ટ્રાફિક
નિયમો ન પાળનારા લોકોએ ટાયર કિલર બમ્પનો તોડ પણ શોધી લીધો છે. જેમાં વાહન પર સવાર એક વ્યક્તિ નીચે ઉતરીને બમ્પને દબાવી દે છે. જ્યારે અન્ય વ્યક્તિ દ્વિ ચક્રી વાહન તેની પરથી પસાર કરે છે. આવા લોકોને દંડવા આ બમ્પ પાસે કેમેરા લગાવવામાં આવે. જેથી આવા લોકોને ઓળખીને તેમની પર કાનૂની કાર્યવાહી કરી શકાય. જોકે, સરકારે ટાયર કિલર બમ્પ પાસે કેમેરા લગાવ્યા નથી.