રાજકોટ,તા.22 : સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અમરેલી અને ભાવનગર જિલ્લામાં 0॥ થી પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પોણા બે ઇંચ ઉમરાળામાં એક ઇંચ જ્યારે પાલીતાણા અને ગારીયાધાર માં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.ગોહિલવાડ પંથકમાં છુટા છવાયા ઝાપટાથી લઈ અડધાથી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘ સવારી ચાલુ રહી છે.
આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં 24 મી.મી. ગારીયાધારમાં 13 મી.મી.જેસરમાં 3 મી.મી. પાલીતાણામાં 19 મી.મી. ભાવનગર શહેરમાં 13 મી.મી. મહુવામાં 2 મી.મી. અને વલભીપુરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કયાંકને કયાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે સવારે જિલ્લાના ગીરકાંઠા તરીકે ઓળખાતા ખાંભા ગીરના ગ્રામીણ પંથકમાં વરસાદ શરૂ થયો હતો તો બપોરના સમયે અમરેલી તથા સાવરકુંડલા, કુંકાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી જતા ખેતરોમાં લહેરાતી મોલાત ઉપર વરસાદ કાચા સોના સમાન હોય ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લાનાં અમરેલી, રાજુલા, જાફરાબાદ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કયાંકને કયાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે સવારે અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદનું આગમન થતાં જિલ્લાના ગીરકાંઠા તરીકે ઓળખાતા ખાંભા ગીરના ગ્રામીણ, ખાંભા ગીરના નાનુડી, ઉમરીયા, તાતણીયા તથા આજુબાજુ સહિતના ગામડાઓમાં તથા બપોરના સમયે અમરેલી તથા સાવરકુંડલા, કુંકાવાવ પંથકમાંવરસાદ શરૂ થયો હતો. ત્યારે વરસાદ ખેતરોમાં લહેરાતી મોલાત ઉપર કાચા સોના સમાન હોય ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
આજે સવારે 6 વાગ્યા 24 કલાક દરમીયાન ખાંભામાં 38 મી.મી., વડીયામાં 23 મી.મી., અમરેલીમાં 15 મી.મી., બગસરામાં 4 મી.મી. તથા લીલીયામાં 9 મી.મી. તથા લાઠીમાં 16 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ખાંભા શહેરમાં ગઈકાલે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં સૌ કોઈ ખૂશીથી ઝૂમી ઉઠયા હતા. દાઢીયાળી, સરાકડીયા, રાયડી, પાટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દોઢ ઇંચ વરસાદ પડવાના પગલે ખાંભાના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા સાથે સુકાતી મોલાતને જીવત દાન મળતા લાંબાં સમયના વિરામ બાદ મેઘ મહેર થતા ધરતીપુત્ર ખુશખુશાલ જોવા મળ્યા હતા.