જુનાગઢ, તા. 22
જુનાગઢ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ-સોરઠ-ગુજરાતના સંતોનું સંમેલન (બેઠક) ગઇકાલે યોજાઇ હતી. જેમાં સનાતન ધર્મને નીચે દેખાડવાનો પ્રયાસ થશે તો તેનો જોરદાર પ્રતિકાર સાથે કાયદાકીય રીતે પણ લડત આપવામાં આવશે તેવો સુર વ્યકત કરાયો હતો. આ સંમેલનમાં સંતો-મહંતોની સહસંમતીથી 6 સમિતિઓની રચના કરવામાં આવી હતી. ઉપરાંત પાંચ મુખ્યમાંગણીઓ કરવામાં આવી છે. દ્વારકાપીઠના જગદગુરૂ શંકારાચાર્ય, અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત સહિતના સંતોની નિયુકિત કરવામાં આવી હતી.
રાજકીય રીતે તેમજ તાજેતરમાં સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના મુદે વિવાદ છેડાયો છે. અમુક સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા પાડવા દેખાડવાના નિવેદનો કરવામાં આવેલ જેમાં સનાતન ધર્મના સંતો નારાજ થતા રાજયભરના વિવિધ અખાડાઓ, મંદિરોના સંતોનું સંમેલન શેરનાથ બાપુએ તેના આશ્રમ ખાતે બોલાવ્યું હતું જેમાં સનાતન ધર્મ યુગોથી ચાલ્યો આવે છે. અનેક આક્રમણો થયા, આક્રમણકારો ખતમ થઇ ગયા છે જયારે સનાતન ધર્મની ધજા આજે પણ અડીખમ ઉભી છે.
સંત સમિતિઓની પાંચ માંગણી- (1) સ્વામિનારાયણ મંદિર પરીસરમાં જયાં હિન્દુ દેવી-દેવતાઓને નીચા બતાવેલા છે તેને ઉચ્ચ સ્થાન આપવું (2) સ્વામિનારાયણના કથાકારો પ્રવચનમાં દેવી-દેવતાઓને ખોટી રીતે મુકવામાં નહીં આવે કે કોઇ વિવાદિત ટીપ્પણી નહીં કરે (3) સ્વામિનારાયણના મુળ સંપ્રદાયના ગ્રંથો સિવાયના બહાર પાડેલા ગ્રંથોમાં હિન્દુ દેવી-દેવતાઓને નીચા બતાવતા લખાણો હટાવવા જોઇએ (4) કોઇપણ સંપ્રદાયના સાધુ વિશે કે સંપ્રદાય વિશે ટીપ્પણી નહીં કરવાની તાકીદ કરાઇ છે અને મુળગાદીઓમાંથી છુટા પડેલા છે અને વાડાઓ ઉભા કરી સનાતન સાથે ઉભા રહે એ રાજકીય ઠેંસ નહીં પહોંચાડે તેમ કહેવામાં આવ્યું છે.
વિવિધ સમિતિઓની રચના (1) સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં 4ર સંતો (ર) શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિમાં 1પ સભ્યો (3) કાયદાકીય સલાહકાર સમિતિમાં 8 સભ્યો (4) મીડિયા પ્રવકતા સમિતિમાં 10 સંતો (5) વ્યવસ્થા આમંત્રણ સમિતિમાં 10 સંતો અને નાણાકીય સમિતિનું રજીસ્ટે્રશન થયા બાદ નામો નકકી થશે. સનાતન ધર્મ સંરક્ષણ સમિતિના મુખ્ય સમિતિમાં અધ્યક્ષ જગદગુરૂ શંકરાચાર્ય રહેશે. ગઇકાલની બેઠકનું અધ્યક્ષસ્થાન ચાંપરડાના મહંત મુકતાનંદજી મહારાજે સંભાળ્યું હતું.