ગોંડલ, તા.22 : ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા યુવાન તેના સાળા તેમજ ભત્રીજો ગઇકાલે બપોરના સુમારે આશાપુરા ડેમ ખાતે નહાવા માટે પહોંચ્યા હતા દરમિયાન યુવાનનો પગ લપસતાં ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે ભત્રીજાને કાકાએ બચાવી લેતા તેને જીવત દાન મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ વોરા રોડ પંચપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ મનુભાઈ ચૌહાણ(ઉંમર 38) તેના સાળા ગોપાલભાઈ મકવાણા અને ભત્રીજો દિવ્યેશ રાઠોડ ત્રણેય ગઇકાલે બપોરના સમારે આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે પહોંચ્યા હતા દરમિયાન રમેશભાઈનો પગ લપસતા તેઓ ડેમના ઊંડા પાણીમાં ગરક થયા હતા સાથે સાથે દિવ્યેશ પણ ખેંચાયો હતો. દરમિયાન ગોપાલભાઈએ દિવ્યેશને હાથ ખેંચી બહાર કાઢી લેતા તેનો બચાવ થયો હતો જ્યારે રમેશભાઇ નું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું
આ ઘટનાને પગલે નગરપાલિકા ફાયર વિભાગના તરવૈયા ઓ ડેમ ખાતે દોડી ગયા હતા અને ડૂબી ગયેલા રમેશભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવના પગલે યુવાનનાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો સીટી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. મૃતક રમેશભાઈ મમરાનાં કારખાનામાં કામ કરતા હતા અને ગોપાલભાઈને નવું બાઈક છોડાવવાનું હોય જ્યાં બે કલાકનો સમય લાગે તેમ હોય ત્રણે જણા ડેમ ખાતે પહોંચ્યા હતા અને અણબનાવ બની જવા પામ્યો હતો.