(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 22 : રાજકોટની નવદુર્ગા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોંડલના કવિ અને પાટીદડ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇ ત્રિવેદી નુ શિક્ષક રત્ન તરીકે સન્માન કરાયુ હતુ. ઉપરાંત તાજેતર માં ઇર્શાદ સાહિત્ય મંચ વડોદરા દ્વારા કવિ ગની દહીવાલા ની જન્મજયંતિ નિમીતે યોજાયેલ ગઝલસંધ્યામાં ગોંડલ ના કવિ નુ બિરુદ પામી ગની દહીવાલાની રચનાઓ રજુ કરી હતી. ગૌરાંગભાઈ રવિન્દ્રકુમાર ત્રિવેદી હાલ પોતાની શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ દ્વારા ગોંડલ વિસ્તારમાં જાણીતા થયાછે.
તેઓને 2019 માં રાજકોટ જિલ્લા માધ્યમિક શાળા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તથા 2020 માં રાજકોટ જિલ્લા કક્ષાએ એજ્યુકેશન ઇનોવેશન ફેર માં માતૃભાષા ના શિક્ષણમાં શબ્દ સમૃદ્ધિ બેસ્ટ એક્ટિવિટી ના પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ હતું.
પર્યાવરણ પ્રત્યેનાં લગાવ થી તેમણે 100થી વધુ વૃક્ષો નું રોપણ કરીને તેમનો ઉછેર કર્યો છે. તેઓ 500 વૃક્ષોને વાવી મોટા કરવાનો સંકલ્પ ધરાવે છે. તેઓનો આકાશવાણીમાં હરિયાળા ગુજરાત શ્રેણી અંતર્ગત આપણું પર્યાવરણ આપણા હાથમાં જેવા સુંદર વાર્તાલાપો પણ પ્રસારિત થયા છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે ગોંડલ સાહિત્ય વર્તુળ અને ગોંડલના કવિઓની ’સાહિત્ય સંગોષ્ઠિ સાથે જોડાયેલા કવિ છે. વિવિધ સિધ્ધિઓ મેળવી ગૌરાંગભાઇ ત્રિવેદીએ ગોંડલ સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યુ છે.