નવી દિલ્હી,તા.21
કયારેક કયારેક રાજકારણીઓ જાણતા હોય છે કે, તેમનો નેતા ફ્રોડ છે તેમ છતાં સાંસદ બનાવવા પડે છે. રાજયસભામાં સપા સાંસદ પ્રોફેસર રામગોપાલ યાદવે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સાથે સંકળાયેલો આ મજેદાર કિસ્સો વર્ણવતા રાજયસભામાં સભાપતિ ધનખડ સહિત બધા સાંસદો જોરશોરથી હસી પડયા હતા.
તેમણે કહ્યું હતું કે, ભાજપના અનેક સાંસદોએ એવી વાત રાખી જે તેમણે ન કહેવી જોઈએ. આવા સભ્યોએ હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જે બોલે છે તેનું પીએમ મોદી ધ્યાન રાખે છે.
રામગોપાલે લાલુ યાદવ સાથેનો એક મજેદાર કિસ્સો વર્ણવતા કહ્યું હતું કે એકવાર રાજયસભામાં શપથ થઈ રહી હતી. મારી બાજુમાં લાલુ યાદવ બેઠા હતા. તેમનો એક કેન્ડીડેટ શપથ લેવા આવ્યો.
મેં લાલુને કહ્યું કે, કાલે તો તેના શરીર પર પ્લાસ્ટર હતું અને આજે આ ચાલે છે. કહેતો તો હતો કે લાઠીચાર્જમાં પગ ભાંગી ગયા છે. જેના જવાબમાં લાલુએ કહેલ મને ખબર છે કે આ ફ્રોડ છે તેમ છતાં તેને સાંસદ બનાવવો પડયો, તેની જાતિમાં કોઈ ભલો માણસ નહોતો એટલે મજબૂરીમાં લાવવો પડયો.