► 33 ટકા મહિલા અનામત વિધેયક પસાર થવાની ખુશીમાં ભાજપની સાંસદ, કાર્યકર્તા મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર અભિવાદન: ભાજપ આ કાયદા દ્વારા મહિલાઓની ભાગીદારી માટે ત્રણ દાયકાથી પ્રયાસ કરતું હતું અમે તે પૂર્ણ કર્યું છે: મોદી
નવી દિલ્હી તા.22 : સંસદ અને વિધાનસભાઓમાં 36 ટકા મહિલા અનામતનું વિધેયક બન્ને ગૃહોમાંથી પસાર થઈ ગયા બાદ તેની ખુશાલીમાં ભાજપના મુખ્યાલય ખાતે ભાજપની મહિલા કાર્યકર્તાઓ અને મહિલા સાંસદોએ વડાપ્રધાન મોદીનું ભાજપના દિલ્હી સ્થિત મુખ્યાલયમાં અને સંસદમાં અભિવાદન કર્યું હતું. કાર્યક્રમો સર્વે મહિલા સાંસદો, દિલ્હીની બધી મહિલા કોર્પોરેટરો અને અન્ય જન પ્રતિનિધિ મહિલાઓ ઉપસ્થિત હતી. આ તકે વડાપ્રધાને મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું
કે જયારે દેશમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર હોય છે ત્યારે દેશ મોટા મોટા પડાવ પાર પાડે છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે હું દેશની દરેક માતાઓ, બહેનો અને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ તકે વડાપ્રધાને મહિલા મતદારોને શ્રેય આપતા જણાવ્યું હતું કે અમારી માતા-બહેનોએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ભાજપને મજબૂતીથી સતામાં આવવાની તક આપી છે. જયારે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હોય છે ત્યારે આવા મજબૂત નિર્ણય લેવાતા હોય છે.ભાજપ કાર્યાલયે પાર્ટીની મહિલા કાર્યકરોએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
મહિલા અનામત બિલ પાસ કરાવવા માટે તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ તકે મહિલાઓને સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કયારેક કોઈ નિર્ણયમાં દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા હોય છે. અમે આવા નિર્ણયના સાક્ષી છીએ. છેલ્લા ઘણા દાયકાથી દેશ જેની રાહ જોઈ રહ્યો હતો તે સપનુ હવે સાકાર થયું છે. આજે દરેક મહિલાનો આત્મવિશ્ર્વાસ આકાશને સ્પર્શી રહ્યો છે. કોઈ સામાન્ય કાયદો નથી પણ નવા ભારતનો જયઘોષ છે. મહિલાઓનું જીવન સુધારવા માટે મોદીએ જે ગેરંટી આપી હતી તેનો આ સીધો પુરાવો છે. મોદીએ જણાવ્યું હતું
કે 36 ટકા મહિલા અનામતના કાયદા માટે ભાજપ મહિલાઓની ભાગીદારી માટે ત્રણ દાયકાથી પ્રયાસ કરતું હતું. આ જવાબદારી અમે પૂર્ણ કરી છે, તેમાં ઘણા અવરોધો હતા પરંતુ જયારે ઈરાદો મજબૂત હોય તો તે મુશ્કેલી પાર કરીને પરિણામ લાવે છે. પીએમે જણાવ્યું હતું કે આ એક રેકોર્ડ છે કે આ વિધેયકને સંસદના ગૃહોમાં વ્યાપક સમર્થન મળ્યું છે. પાર્ટી અને વિપક્ષે પણ રાજનીતિમાંથી બહાર આવીને સમર્થન કર્યું છે. આ તકે વડાપ્રધાને ભાજપ કાર્યકર્તા, સાંસદ મહિલાઓનું અભિવાદન જ નહોતું ઝીલ્યું. બલ્કે મહિલા કાર્યકર્તાઓના ચરણ સ્પર્શ પણ કર્યા હતા.