રાજકોટ તા.22 : આગામી તા.24મીથી શરૂ થનાર જામનગર- અમદાવાદ વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની આજે ટ્રાયલ લેવામાં આવતા અમદાવાદથી વિરમગામ સુધી ટ્રાયલ ટ્રેન દોડાવી વિવિધ ટેકનીકલ બાબતો, સ્પીડ, સમય સહિતની નોંધ કરી રૂટનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આગામી તા.24મીએ ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ એવી વંદે ભારત એકસપ્રેસ દોડતી થનાર છે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે. સૌરાષ્ટ્રને સૌ પ્રથમવાર વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ફાળવાતા આ ટ્રેન જામનગર- અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેન સવારે 5-30 કલાકે જામનગરથી ઉપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી પહોંચશે સાબરમતીથી સાંજે છ કલાકે ઉપડી આ ટ્રેન રાત્રીના 10-30 કલાકે જામનગર પહોંચશે.
આઠ કોચની આ ટ્રેન રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી મુસાફરોને આરામદાયક અને ઝડપી રેલવે સેવા પુરી પાડશે. વંદે ભારત એકસપ્રેસ ટ્રેન મંગળવાર સિવાયના સપ્તાહમાં છ દિવસ દોડશે આ ટ્રેનની આજે અમદાવાદ-વિરમગામ વચ્ચે ટ્રાયલ લેવામાં આવી હતી જે સફળ રહી હતી.