♦ ભારતે અત્યાર સુધીનાં સૌથી વધુ ખેલાડીઓ મોકલ્યા: 481 ગોલ્ડ મેડલ જીતવા 45 દેશોનાં ખેલાડીઓ સ્પર્ધામાં: 39 રમતોમાં ભારતના 655 ખેલાડી
ગંગઝોઉ તા.23
‘અબ કી બાર 100 પાર” નારા સાથે ચીનમાં આજથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં દમ દેખાડવા મેદાને પડશે.ઓલિમ્પિક ચેમ્પીયન નીરજ ચોપડાના નેતૃત્વમાં આ વખતે ભારતનાં સૌથી વધુ ખેલાડીઓને એશીયન ગેમ્સ માટે મોકલવામાં આવ્યા છે અને જુદા જુદા 481 સુવર્ણચંદ્રકોની રેસમાં સામેલ થશે.
કોવિડકાળને કારણે એશિયન ગેમ્સનું આયોજન એક વર્ષ મોડુ થયુ છે આજે સાંજે ઝાકઝમાળભરી ઓપનીંગ સેરેમનીમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગના હસ્તે એશીયાડ ખુલ્લો મુકવામાં આવશે. ભારત વતી લવલીમા તથા હરમનપ્રિત ભારતીય ધ્વજ સાથે સામેલ છે.
આગામી દાયકામાં ઓલિમ્પિકનું યજમાન બનવા મથતા ભારતે આ વખતની એશીયન ગેમ્સ માટે સૌથી વધુ ખેલાડીઓ મોકલ્યા છે અને યાર સુધીનાં સૌથી વધુ મેડલ જીતવાનો વિશ્વાસ છે.
100 મેડલનું સ્વપ્ન સાકાર ન થઈ શકે તો પણ ગત વખત કરતા વધુ મેડલ જીતવાનો ટારગેટ સ્થાપવામાં આવ્યો છે. એથ્લેટીકસમાં સૌથી વધુ મંડલ મળવાની આશા છે. ગત વખતે ટ્રેક એન્ડ ફીલ્ડ ખેલાડીઓએ 20 મેડલ જીત્યા હતા.આ વખતે આંકડો 25 પર પહોંચવાનો વિશ્વાસ છે.
એશીયન ગેમ્સનાં ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના પાંચ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ સામેલ થયા છે ભાલા ફેકમાં વિશ્વ વિજેતા નીરજ ચોપડા ભારતીય ટીમનુ નેતૃત્વ કરી રહ્યો છે. 2018 માં ભારતે 16 મેડલ જીત્યા હતા.પાંચ ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ હોવાથી વધુ મેડલ જીતવાની આશા બંધાઈ છે. નીરજ ચોપડા ઉપરાંત મીરાબાઈ ચાનુ, પી.વી.સિંધુ, બજરંગ પુનિયા તથા બોકસર લવલીનાં એશીયાડ રેસમાં છે.
નીરજ ચોપડાનું ફોકસ સતત બીજો સુવર્ણચંદ્રક જીતવાનું છે. ગોલ્ડ મેડલ જીતવામાં તે સફળ થાય તો 65 વર્ષ બાદ આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ખેલાડી બનશે. આ પૂર્વે પાકિસ્તાનનાં ખેલાડી મોહમ્મદ નવાજે 1954 માં મનીલા તથા 1958 માં ટોકીયો ખેલ મહોત્સવમાં જેનલીન થ્રોમાં ગોલ્ડમેડલ જીતીને સળંગ બે વખત ચેમ્પીયન બનવાની સિદ્ધિ મેળવી હતી. હજુ સુધી આ રેકોર્ડ અતુટ છે.
37 વર્ષથી મેડલ જીતવામાં ટોપ-5 દેશોમાં ભારતનું સ્થાન નથી
એશીયન ગેમ્સમાં મેડલ જીતવામાં છેલ્લા 37 વર્ષથી ભારત ટોપ-ફાઈવ દેશોમાં સ્થાન મેળવી શકયુ નથી. છેલ્લે 1986 માં દક્ષિણ કોરીયાનાં સીયોલમાં યોજાયેલા એશીયાડમાં ભારત મેડલ ટેલીમાં પાંચમાં સ્થાને હતું.સર્વશ્રેષ્ઠ દેખાવ 1951 માં હતા જયારે બીજા નંબરે હતું 2018 માં જાકાર્તામાં યોજાયેલા એશીયાડમાં 8માં સ્થાને હતું.
જોકે 16 ગોલ્ડ મેડલ સહીત 70 મેડલ જીતીને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ વખતે સૌથી વધુ ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે અને શ્રેષ્ઠ દેખાવનો વિશ્વાસ હોવાથી ભારત ટોપ-ફાઈવમાં સ્થાન પામી શકે છે. અત્યાર સુધીનાં એશીયાઈ રમતોત્સવમાં ભારતે કુલ 672 મેડલ જીત્યા છે તેમાં 155 ગોલ્ડ, 201 સિલ્વર અને 376 બ્રોન્જ મેડલ છે.
આ ભારતીય ખેલાડીઓ પર નજર....
♦ બજરંગ પુનિયા ♦
ગત વખતે 65 કિલોની કેટેગરીમાં ચેમ્પીયન બજરંગ પુનિયા પુનરાવર્તન કરવા મેદાને પડશે. તેને ટ્રાયલ વિના જ ટીમમાં સ્થાન મળતા વ્યાપક વિવાદ થયો હતો.
♦ મીરાબાઈ ચાનુ ♦
ચાનુ એશીયન ગેમ્સમાં મેડલ જીતવા બેતાબ છે પ્રથમ વખત પોતાના નામે મેડલ જીતવા તથા ભારતીય ખેલાડી તરીકેનું ગૌરવ હાંસલ કરવા ઉત્સુક છે.
♦ અંતિમ પંચાલ ♦
53 કિલોની કેટેગરીમાં એશીયન ગેમ્સમાં પ્રથમ વખત સામેલ થનારી અંતિમ પર ભારતને ઘણો મદાર છે. બે વખત જુનિયર વિશ્વ ચેમ્પીયન બનેલી અંતિમે સીનીયર ચેમ્પીયનશીપમાં કાંસ્ય જીયો હતો અને ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યુ છે.
♦ નિકપેટ જરીન ♦
બે વખત વિશ્વ ચેમ્પીયન મુકકેબાજ એશીયન ગેમ્સમાં મેડલ જીતવા ઉત્સુક છે તે વખત વખત એશીયાડમાં ઉતરશે. 51 કિલો કેટેગરીમાં અત્યાર સુધીનું પરફોમન્સ જબરજસ્ત છે.
♦ લવલીનાં બોરગેહેન ♦
75 કિલો કેટેગરીમાં એશીયન તથા વિશ્વ ચેમ્પીયન બની હોવાથી લવલીનનું મનોબળ ચરમસીમાએ છે. ચીનનાં પ્રતિસ્પર્ધીઓને મહાત કરીને સરળતાથી મેડલ જીતી જશે.
♦ મનુ ભાકર ♦
25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકર મેડલની પ્રબળ દાવેદાર છે. જાકાર્તામાં સારૂ પ્રદર્શન કરી શકી ન હતી જેનો બદલો લેવા આતુર છે.