દુબઈ: ઓકટોબર-નવેમ્બરમાં યોજાનારાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની વિજેતા ટીમ માલામાલ થઈ જશે કેમકે આઈસીસીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે આ વખતના વર્લ્ડકપની વિજેતા ટીમને 33 કરોડ રૂપિયા (ચાર મિલિયન ડોલર)નો પુરસ્કાર એનાયત કરાશે જયારે રનર્સઅપ રહેનારી ટીમને તેનાથી અડધી એટલે કે લગભગ 16.5 કરોડ રૂપિયા (બે મિલિયન અમેરિકી ડોલર)નો પુરસ્કાર મળશે.
આઈસીસીએ શુક્રવારે વર્લ્ડકપ માટેના પુરસ્કારની રકમ તથા વિવિધ અન્ય પુરસ્કારોની જાહેરાત કરી હતી. પાંચમી ઓકટોબરથી વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 2019ના વર્લ્ડકપની ચેમ્પીયન ઈંગ્લેન્ડની ટીમ રનર્સઅપ ન્યુઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે પ્રારંભીક મુકાબલામાં ટકરાશે.
ચેમ્પીયન અને રનર્સઅપ ટીમ બાદ સેમીફાઈનલીસ્ટ ટીમને છ છ કરોડ (આઠ લાખ અમેરિકી ડોલર)નો પુરસ્કાર મળશે. જયારે નોકઆઉટમાં પ્રવેશવામાં નિષ્ફળ રહેનારી અન્ય છ ટીમને 82 લાખ રૂપિયા (એક લાખ ડોલર) અને ગ્રુપ તબકકામાં દરેક મેચમાં વિજેતા ટીમને 33 લાખ રૂપિયા (40 હજાર ડોલર)ની રકમ પ્રાપ્ત થશે. આઈસીસી દ્વારા ટુર્નામેન્ટ દરમિયાન તમામ વિજેતા ટીમને કુલ મળીને દસ મિલિયન 83 કરોડ રૂપિયાના પુરસ્કાર આપવામાં આવશે.
ક્રિકેટની સર્વોચ્ચ સંચાલન સંસ્થાએ આ વખતના વર્લ્ડકપને વધારે સ્પર્ધાત્મક અને મનોરંજક બનાવવાના હેતુથી આ ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં પાંચમી ઓકટોબરથી વર્લ્ડકપનો પ્રારંભ થશે જેમાં 45 લીગ મેચ બાદ બે સેમીફાઈનલ અને ફાઈનલ રમાશે. 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફાઈનલ મેચ રમાશે.
આ વખતના વર્લ્ડકપમાં દસ ટીમ ભાગ લઈ રહી છે. ટીમો આ મુજબ છે. ભારત, અફઘાનીસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને નેધરલેન્ડસ.