રાજકોટ-જામનગર સહિતની SME કંપનીઓએ છ માસમાં IPO મારફત 616 કરોડ મેળવ્યા

23 September 2023 02:17 PM
Ahmedabad Business Gujarat
  • રાજકોટ-જામનગર સહિતની SME કંપનીઓએ છ માસમાં IPO મારફત 616 કરોડ મેળવ્યા

SME IPOમાં સમગ્ર દેશમાં ગુજરાતનો 26 ટકાનો સર્વોચ્ચ હિસ્સો

અમદાવાદ,તા.23
શેરબજારમાં અંદાજીત છ મહિનાથી સળંગ રેકોર્ડબ્રેક તેજીથી હજારોની સંખ્યામાં નવા ઈન્વેસ્ટરો દાખલ થયા જ છે ત્યારે નાની-મોટી કંપનીઓ પણ તેજીનો લાભ ઉઠાવીને નાણાં ઉઘરાવી રહી છે. છેલ્લા છ મહિનામાં ગુજરાતની એસએમઈ (નાની) કંપનીઓએ જ પ્રાયમરી માર્કેટમાંથી 616 કરોડ ઉઘરાવી લીધો છે. ગત સાલ આ આંકડો આખા વર્ષનો હતો.

સેકન્ડરી માર્કેટ કરતા પણ પ્રાયમરી માર્કેટ નવા ઈસ્યુમાં વધુ વળતર-કમાણી થતી હોવાને કારણે ઈન્વેસ્ટરો મોટીમાત્રામાં આઈપીઓમાં નાણાં ઠાલવી રહ્યા છે અને તેનો લાભ લેવા કંપનીઓએ લાઈનો લગાવી દીધી છે. છેલ્લા કેટલાક વખતથી મેઈન બોર્ડના (મોટા) આઈપીઓ કરતા પણ એસએમઈ (નાના) આઈપીઓની સંખ્યા વધી ગઈ છે. આઈપીઓ નાના હોવાના કારણે અનેકગણા ભરાઈ છે અને લીસ્ટીંગ કમાણી પણ જબરદસ્ત રહે છે.

છેલ્લા છ માસમાં ગુજરાતની નાની કંપનીઓએ એસએમઈ આઈપીઓ મારફત 616 કરોડ ઉઘરાવ્યા હતા. સમગ્ર દેશમાં એસએમઈ કંપનીઓએ એકત્રીત કરેલા નાણાંમાંથી 26 ટકા માત્ર ગુજરાતની કંપનીઓએ જ મેળવ્યા હતા. જાણકારોના કહેવા પ્રમાણે નાની કંપનીઓ દ્વારા નાણાં પણ વધુ ઉઘરાવવામાં આવી રહ્યા છે.

મોનાર્ચ નેટવર્થ કેપીટલના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગત નાણાંવર્ષમાં એનએસઈ બીએસઈમાં 28 એસએમઈ કંપનીઓનું લીસ્ટીંગ થયુ હતું તે સંખ્યા 342 ટકા વધીને 124 પર પહોંચી છે. આ ગાળામાં ગુજરાતની એસએમઈ કંપનીઓની સંખ્યા 4થી વધીને 3319 છે.

ચાલુ વર્ષે 1લી એપ્રિલથી 21 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતની 22 કંપનીઓનું લીસ્ટીંગ થયું છે. કંપનીના ડાયરેકટર વૈભવ શાહે જણાવ્યું હતું કે સેક્ધડરી માર્કેટની રેકોર્ડબ્રેક તેજી તથા પ્રાયમરી માર્કેટમાં સપ્તાહના રોકાણ સિવાય નુકશાનીનું કોઈ જોખમ ન હોવા સામે એલોટમેન્ટના સંજોગોમાં તગડી કમાણી, સરળ પ્રવાહિતતા જેવા કારણોથી ઈન્વેસ્ટરોએ ભરોસો સતત વધતો રહ્યો છે. છેલ્લા મહિનાઓમાં નાની કંપનીઓમાં નાણાં એકત્રીત કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.

નાની કંપનીઓએ આઈપીઓથી નાણાં મળે જ છે. ઉપરાંત શેરબજારમાં લીસ્ટીંગથી વિકાસની નવી તક ઉભી થાય છે. લીસ્ટીંગને પગલે ફાઈનાન્સીયલ તથા કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારો થાય છે. એસએમઈ ઈકવીટીમાં ગુજરાતનો સર્વોચ્ચ હિસ્સો છે. રાજકોટ, જામનગર સહિતની એસએમઈ કંપનીઓએ નાણાં ઉઘરાવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement