24મીના VYO દ્વારા કેનેડાનું વૈષ્ણવ સંપ્રદાયના સૌથી મોટા સંકુલનું ઉદ્ઘાટન સંપન્ન થશે

23 September 2023 03:06 PM
Dharmik
  • 24મીના VYO દ્વારા કેનેડાનું વૈષ્ણવ સંપ્રદાયના સૌથી મોટા સંકુલનું ઉદ્ઘાટન સંપન્ન થશે

► વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીનું અલૌકિક સ્વપ્ન સાકાર થયું .દ્વિ દિવસીય શ્રીઠાકોરજી સ્વરૂપ આવિર્ભાવ મહોત્સવ સંપન્ન થશે

► કેનેડાના Caledon,Toronto ખાતે 7 એકરની વિશાળ જગ્યામાં આ દિવ્ય સંકુલ સાકાર થયું

► કેનેડામાં વૈષ્ણવ સંપ્રદાયનું સર્વપ્રથમ વિશાળ સંકુલ 7 મિલિયન ડોલરના ખર્ચે સાકાર થયું

► કેનેડા સ્થિત વડોદરા,અમદાવાદ તથા સૌરાષ્ટ્રના 300થી પણ વધુ યુવાનો VYO કેનેડા યુથ કમિટીમાં કાર્યરત થયા

વિશ્વભરમાં સનાતન ધર્મના સંસ્કારોને પ્રસારિત કરવા તથા યુવા જાગૃતિને લક્ષ્યાંકિત કરીને જન સામાન્યને સમર્પિત સેવા કાર્યો અર્થે સતત અગ્રેસર એવી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સંસ્થા VYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં દેશ-વિદેશમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી અને આપશ્રીના શુભાશીષથી અનેક સેવા યજ્ઞો ઉત્સાહભેર કાર્યરત છે.

ત્યારે આવનાર તા. 23 તથા 24 સપ્ટેમ્બર,2023ના રોજ VYO કેનેડાના તત્વાવધાનમાં સાકાર થયેલ કૃષ્ણધામ વ્રજભૂમિ સંકુલ કે જે કેનેડાનું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીની અદ્યક્ષતામાં શ્રીઠાકોરજી સ્વરૂપ અવિર્ભાવ મહોત્સવ આયોજીત થશે. કેનેડાના ટોરોન્ટો સ્થિત Caledon ખાતે કાર્યરત થયેલું VYO કૃષ્ણધામ વ્રજભૂમિ સંકુલ કે જે 7 એકર વિશાલ જગ્યામાં કાર્યરત બન્યું છે

જ્યાં શ્રીપ્રભુની સાત સ્વરૂપ હવેલીમાં અતિદીવ્ય અલૌકિક નંદાલય, સત્સંગ હોલ સહીત VYO એજ્યુકેશન ક્લાસીસ,સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જ્ઞાનવર્ધક આયોજનો અર્થે સુંદર વ્યવસ્થા સાથે આ સંકુલ અનેકવિધ રચનાત્મકકાર્યો અર્થે સતત અગ્રેસર રહેશે. આવનાર સમયમાં આ સંકુલ ખાતે 150 સિનિયર સિટીઝન અર્થે તમામ સુવિધાથી સુસજ્જિત વૃદ્ધાશ્રમ પણ કાર્યરત બનશે. તા.23 સપ્ટેમ્બર,2023ના રોજ Caledon,Toronto ખાતે VYO કૃષ્ણધામ વ્રજભૂમિ સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં મહોત્સવનો શુભારંભ થશે જ્યાં બપોરના 4 કલાકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે

જેમાં ઘ્વજા ,પતાકા અને અવિરત ઉત્સાહ સાથે હજારો વૈષણવો શ્રીપ્રભુના જય જયકાર સાથે નીકળશે. સાંજે 5 કલાકે વિધિવત માર્જન પૂજન સંપન્ન થશે. ત્યારબાદ સૌ વૈષ્ણવ ભાવિકજનોને શ્રીઠાકોરજીના સ્વરૂપના ચરણસ્પર્શનો અતિદીવ્ય અવસર પ્રાપ્ત થશે. રાત્રે 8 કલાકે શ્રીઠાકોરજી સ્વરૂપ અવિર્ભાવ પૂર્વે ચોતરાજી પૂજન સંપન્ન થશે તા.24 સપ્ટેમ્બર,2023ના રોજ શ્રીઠાકોરજી સ્વરૂપ અવિર્ભાવ વિધિ પ્રારંભ થશે જેમાં સવારે 7 કલાકે પંચામૃત સ્નાન, 11 કલાકે શ્રીઠાકોરજીને પાટોત્સવ તિલક અને ભવ્ય નંદ મહોત્સવ દર્શન કરીને હજારો ભાવિકજનો ભાવવિભોર બનશે.

આ દ્વિ દિવસીય આયોજન દરમ્યાન વૈષ્ણવચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીના મનનીય,જ્ઞાનવર્ધક અને રોચક વિષયોથી લાભાન્વિત કરતા મંગલમય વચનામૃતથી સમસ્ત ભાવિક સમુદાય કૃતાર્થ થશે આ મહોત્સવ દરમ્યાન સમગ્ર કેનાડાથી અસંખ્ય ભાવિકજનો અલૌકિક આનંદમાં સંમલિત થવા Caledon, ટોરોન્ટો સ્થિત VYO કૃષ્ણધામ વ્રજભૂમિ સંકુલ ખાતે ઉપસ્થિત થશે. કેનેડા સ્થિત વડોદરા,અમદાવાદ તથા સૌરાષ્ટ્રના 300થી પણ વધુ યુવાનો VYO કેનેડા યુથ કમિટીમાં કાર્યરત બન્યા છે અને સૌ યુવાનો આ કૃષ્ણધામ વ્રજભૂમિ સંકુલમાં સેવા પ્રદાન કરશે

અત્રે ઉલ્લેખનીય છે કે તા.13 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર,2023 દરમ્યાન કેનેડા ધર્મજાગૃતિ યાત્રા અંતર્ગત વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં કેનેડાના Ottawa, Toronto, Vancouver, Edmonton, Calgary, Toronto ખાતે વિવિધ પ્રેરણાદાયી આયોજનો VYO Canadaના તત્વાવધાનમાં સાકારથઇ રહ્યા છે. યાત્રા દરમ્યાન પૂજ્ય વ્રજરાજકુમારજી ભાવિક સમુદાયને પોતાના પ્રેરક સાનિધ્યથી પ્રેરિત કરશે અને વિશેષ જ્ઞાનસત્ર દ્વારા જીવનને આનંદમય પથ પર અગ્રેસર કરવા કર્મ માર્ગે પ્રતિબદ્ધતાથી કાર્યરત બનવા સૌને માર્ગદર્શિત કરશે.

VYO ભારતના 46 શહેરોમાં અને વિશ્વના 35 દેશોમાં We Serve Happinessના સેવા સૂત્ર સાથે સતત સેવા કાર્યો અર્થે ઉત્સાહભેર અવિરત ઉર્જા સાથે સતત કાર્યરત છે. VYOના માધ્યમથી દેશ વિદેશમાં સમાજના તમામ વયના લોકોમાં માટે જ્ઞાનવર્ધક સેવાકીય અનુષ્ઠાનો સાથે વંચિતો અને આર્થિક રીતે અસ્વસ્થ પરિવારો અર્થે અન્નક્ષેત્ર યોજના,શિક્ષણ યોજના,દીકરીઓના સમૂહ લગ્નોત્સવ,મેડિકલ સેવા અને રાષ્ટ્ર સેવા સહીત પ્રકૃતિને સમર્પિત ભગીરથ સેવાના મહાયજ્ઞો થકી સમાજ સતત લાભાન્વિત બની રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement