નવી દિલ્હી તા.23 : કેન્દ્ર સરકાર આગામી 30 સપ્ટેમ્બરે નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજદરોમાં ફેરફાર કરી શકે છે. ત્રિમાસિક આધાર પર વ્યાજદરોમાં થનારા આ ફેરફારને લઈને પીપીએફ અર્થાત લોક ભવિષ્ય નિધિમાં રોકાણ કરનાર લોકોને મોટી આશા છે કે આ વખતે સરકાર વ્યાજદરોમાં વધારો કરશે.
ખરેખર તો ગત સંશોધનમાં અનેક નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો. પરંતુ પીપીએફના રોકાણકારો છેલ્લા 42 મહિનાથી તેના વ્યાજદરોમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે. હાલ પીપીએફ પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે અને તેમાં આ વખતે વધારો જોવા મળી શકે છે. આ યોજનામાં છેલ્લી વાર ફેરફાર એપ્રિલ 2020માં કરવામાં આવ્યો હતો. આ વખતે આશા રાખી શકાય છે કે સરકાર લગભગ સાડા ત્રણ વર્ષ બાદ પીપીએફ ખાતાધારકોને રાહત આપી શકે છે.