રાજકોટ તા.23 : ગુજરાતમાં બે-ત્રણ દિવસનાં ભારે વરસાદ બાદ જોર નબળુ પડી રહ્યું છે અને હવે રાજયનાં અમુક ભાગોમાં છુટોછવાયો વરસાદ થવાની શકયતા છે.બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ઓકટોબરમાં થવાની સંભાવના છે. ગુજરાત હવામાન વિભાગનાં રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે આવતીકાલે સવાર સુધી બનાસકાંઠા સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ તથા વડોદરા જીલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
જયારે અન્યત્ર 40 કીમીની સુધીની ઝડપનાં પવન અને વિજળીનાં કડાકા ભડાકા સાથે કયાંક-કયાંક થંડર સ્ટોર્મની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ તથા દીવમાં પણ કયાંક થંડર સ્ટોર્મ ત્રાટકી શકે છે. આવતીકાલ બાદ રાજયમાં કયાંય ભારે વરસાદની સંભાવના નથી અને અમુક ભાગોમાં હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે 26-27 મીએ વરસાદનો વ્યાપ વધવાની શકયતા છે. દરમ્યાન ભારતીય હવામાન વિભાગ દ્વારા 25મીથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ જવાનું જાહેર કરવામાં આવ્યુ છે.
પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ઓકટોબરમાં થશે. ચોમાસાની વિદાય પ્રક્રિયા દર્શક મોડી છે જ સામાન્ય રીતે 15મી સપ્ટેમ્બરથી આ પ્રક્રિયા શરૂ થતી હોય છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ચોમાસાની વિદાય પુર્વે વરસાદના એક કે બે રાઉન્ડ આવી શકે છે. ચોમાસાએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લાંબો બ્રેક લીધો હતો.ત્યારબાદ નવો રાઉન્ડ શરૂ થતાં પાક પાણી મોરચે રાહત થઈ હતી. હજુ વરસાદનાં રાઉન્ડથી ફાયદો જ થવાની સંભાવના છે.