► આજની ભાગદોડ ભરી જીંદગીમાં ખુશી અને શાંતિ પ્રાપ્ત કરવી છે પણ સમય નથી
(અહેવાલ: રાજેશ મહેતા) રાજકોટ: આપણું મન ખુશ હશે તો શરીર આપોઆપ સ્વસ્થ રહેશે. મન ખુશ હશે તો પરિવારમાં સબંધો જળવાઈ રહેશે. એટલે કે ટુંકમાં આપણા જીવનનું રીમોટ કન્ટ્રોલ મન છે તેમ રાજકોટની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક મોટીવેશન કાર્યક્રમમાં શિવાની દીદીએ જણાવ્યું હતું. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકોને સ્વયં માટે પણ સમય નથી. ધ્યાન દ્વારા શાંતી અને ખુશી પ્રાપ્ત કરવી છે પરંતુ સમય નથી.
શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ તથા બાલાજી વેફર્સના સંયુકત ઉપક્રમે યોજાયેલ આત્મસભર કાર્યક્રમમાં શિવાનીદીદીએ ઉપસ્થિત 6000થી વધુ લોકોને સંબોધતા કહ્યું કે જો માનવીનું મન ખુશ હશે તો શરીર સ્વસ્થ રહેશે જ અને મન ખુશ હશે તો પરિવારના સદસ્યો સાથેના સંબંધો પણ મજબૂત બનશે. પરંતુ આજે પણ તેના વિરૂધ્ધ જ જઈ રહ્યા છીએ. આપણા શરીરનું સ્વાસ્થ્ય ભ્રુકુટી પર કેન્દ્રીત છે. આ ભ્રુકુટી પર રહેલા મનનું રીમોટ કંટ્રોલ સ્વયં આપણી પાસે છે. આજે ડીપ્રેશન-અનિંદ્રા સહિતની બીમારી વધવાનું કારણ મન પરનો અંકુશ તથા જો કોઈપણ વ્યકિત મન પર અંકુશ મેળવી લે તો સામેવાળી વ્યકિત ગમે તેટલી તેના વિશે ટીકા ટીપ્પણી કે ખરાબ શબ્દ બોલે તો પણ તેની અસર થતી નથી.
► આપણે નામ, દેશ, નોકરી બદલવા તૈયાર છીએ પરંતુ સ્વયંને બદલતા નથી
તેનાથી વિરૂધ્ધ જે વ્યકિત આપણા પર ગુસ્સે થઈ જેવા તેવા શબ્દને પ્રયોગ કરી રહ્યો છે તેના પર કોઈ જાતની પ્રતિક્રિયા આપવાને બદલે પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરી તેના માટે બને તેટલી દુવાઓ મોકલી તેને ખરા હદયથી માફ કરી દો તો તમારા આત્માની શકિત અનેકગણી વધી જશે. શિવાની દીદીએ એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો કે હાલમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનોમાં કોઈને કોઈ કારણસર આત્મહત્યા કરવાનું પ્રમાણ અનેકગણું વધ્યું છે જેનું મુખ્ય કારણ મનની શકિત ઘટી રહી છે અને તે માટે માતા-પિતા જવાબદાર છે વાલીઓ પોતાના સંતાનોને તેમની મનગમતી ચીજવસ્તુઓ આપે છે. પરંતુ વિકટ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો તે શિખવવાનું જ ભુલી જાય છે.
► મન ખુશ હશે તો શરીર સ્વસ્થ રહેશે જ: તમારી પર ગુસ્સો કરનાર વ્યકિતને ખરા હૃદયથી માફ કરી દુવા આપો, મનની શકિત અનેકગણી વધી જશે
જેને પરિણામે બાળકો તેમની સામે આવેલી કપરી પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી જેને કારણે હતાશાની ગર્તામાં ધકેલાઈ અંતે આપઘાત કરે છે. આ પરિસ્થિતિ અટકાવવા પરિવારના એક વ્યકિતને આધારસ્થંભ બનવું પડશે તેવું જણાવી શિવાની દીદીએ ઉમેયુર્ં કે પરિવારનો કોઈ સદસ્ય ચિંતા કે હતાશામાં ધકેલાય તો અન્યએ મજબુત બની તેનો સહારો બની તેને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવો જોઈએ. કોરોનાના કપરા કાળ બાદ શાળાના બાળકોમાં ચિંતાનું પ્રમાણ વધ્યુ છે જેનું કારણ પણ મનની શકિતનો અભાવ છે. આ માટે બાળકોને સંકલ્પ સિધ્ધિના સોનેરી સૂત્રોનો અભ્યાસ કરાવવો અત્યંત આવશ્યક છે તો જ બાળક ભવિષ્યમાં તેની સામે આવેલી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશે.
► ભાગ્ય એટલે ભૂતકાળમાં માનવીએ કરેલા કર્મોનું ફળ
જયારે કોઈપણ ગમતી વસ્તુ ન બને ત્યારે વ્યકિત તેના ભાગ્યને દોષ દે છે તેના પર પ્રકાશ પાડતા શિવાની દીદીએ કહ્યું કે ભાગ્ય બીજુ કાંઈ નથી પણ ભૂતકાળમાં આપણે કરેલા કર્મોનું ફળ છે. જેવા કર્મ કર્યા હોય તેવું પરિણામ સામે આવે છે. સારા કર્મ ભાગ્ય બદલાવાની શકિત આવે છે માટે આપણે એવું કર્મ કરીએ કે જીવન સુંદર બને માનવીના મૃત્યુ સમયે તેનો આત્મા તેની સાથે કર્મ અને સંસ્કાર લઈ જાય છે અને જેનાથી ભાગ્યનું નિર્માણ થાય છે તેમ અંતમાં શિવાની દીદીએ જણાવ્યું હતું.
આ પહેલા કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારીના હેડ ભારતીદીદી તેમજ શિવાની દીદીનું તુલસીનો છોડ આપી સન્માન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. બ્રહ્માકુમારી દ્વારા યોજાયેલા હાઈવે ટુ હેપીનેશ કાર્યક્રમમાં ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ એડીટર કરણભાઈ શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર ટીકુભા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મનપાના સ્ટે.કમીટીના ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, કલેકટર પ્રભવ જોશી, પો.કમિશ્ર્નર રાજુ ભાર્ગવ, બાલાજી વેફર્સના ભીખુભાઈ વીરાણી, ચંદુભાઈ વીરાણી, બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ એડીટર શ્રી કરણભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ
‘હાઇવે ટુ હેપીનેસ’ મોટીવેશન કાર્યક્રમમાં
રાજકોટ, તા. 13 : ગઇકાલે આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક મોટીવેશનલ સ્પીકર બી.કે. શિવાનીદીદીના રાજકોટમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા જેમાં સાંજે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક યોજાયેલ હાઇવે ટુ હેપીનેસ કાર્યક્રમમાં ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ એડીટર કરણભાઇ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય વિધિમાં ભાગ લઇ કરણભાઇએ બ્ર.કુ. ભારતીદીદીના આશિર્વાદ લઇ ખાસ ચર્ચા કરી હતી બાદમાં બ્ર.કુ.શિવાનીદીદી દ્વારા અપાયેલ મોટીવેશન પ્રોગ્રામમાં પણ હાજરી આપી હતી.
રાત્રે સૂતા પહેલા સકારાત્મક પુસ્તકોનું વાચન કરવું શ્રેષ્ઠ
રાજકોટ, તા.23 : અતિશય તણાવભરી જિંદગીને કારણે લોકો ગાઢ નિંદ્રામાં સુઇ શકતા જેનું મુખ્ય કારણ મનની શકિત નબળી પડી છે. અયોગ્ય ખાન-પાન તેમજ વ્યવસાયની ચિંતાને કારણે પુરતી ઉંઘ આવતી નથી. રાત્રીના પુરતી ઉંઘ લેવા હકારાત્મક પુસ્તકો વાંચો કે ગમે તેવું મ્યુઝીક સાંભળો જેને કારણે શરીર શકિતશાળી બનશે વધુમાં તણાયયુકત જિંદગી જીવવા ધ્યાનનો આશરો લો તેમ બ્રહ્માકુમારી શિવાનીદીદીએ જણાવ્યું હતું.
પરમાત્માને યાદ કરી બનાવેલ રસોઇ ભાગ્ય બદલી શકે છે
પરમાત્માને યાદ કરીને ઘરમાં બહેનોએ બનાવેલી રસોઇ ઘટતું ભાગ્ય બદલી શકે છે તેવું જણાવી મોટીવેશન સ્પીકર બ્ર.કુ. શિવાનીદીદીએ કહ્યું કે આપણે આરોગેલા અન્નની સીધી અસર મન પર થાય છે. આ અન્ન પ્રસાદ બની આપવા તન અને મનને ઉર્જાયુકત બનાવે છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે હોટલોમાં પીરસાતુ ભોજન સાત્વીક ન હોય તે શકિત વધારવાને બદલે મનની શકિત ઘટાડવાનું કામ કરે છે.
બ્ર.કુ. શિવાની દીદી: પ્રેરક વચનો
* આપણે વધુને વધુ લોકોને બદલવાનો પ્રયત્ન કરીએ.
* આપણા ભાગ્યનું રિમોન્ટ કંટ્રોલ આપણા હાથમાં છે.
* આત્મા કર્મ તથા સંસ્કાર લઈને જાય છે. આપણા તરફથી વાઈટ બોલ અર્થાત પવિત્ર વાઈબ્રેશન દુવાઓ જવી જોઈએ.
* આપણી પાસે સમયની ખોટ નથી પરંતુ શકિતની ખોટ છે.
* શું લોકો ઉપર, પરિસ્થિતિ ઉપર નિર્ભય તો નથી બની ગયાને..! ચેક કરીએ.
* મારા મનનું રીમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપી દઈએ.
* આપણે આત્મ નિર્ભર બનવું જોઈએ. કોઈ બીજા મને ગુસ્સો આપી ન શકે.
* કોઈ આપણા મનમાં ઘુસીને દુ:ખ, દર્દ ન આપી શકે. સ્વયં આપણે જ દુ:ખની ભાવના લાવીએ છીએ.
* જેમણે પણ તમારી સાથે ખોટું કયુર્ં હોય, પણ તમે એમને દુવા દેવાનું શરૂ કરશો તો ખુશી વધતી જશે.
* આત્માની બેટરી ફુલ હશે તો ખુશી વધશે.
* આપણા મનની સ્થિતિ શકિતશાળી બનાવવી જોઈએ.
સંકલ્પ: બ્ર.કુ. કોમલ દીદી, બ્ર.કુ. અનુદીદી, બ્ર.કુ. અંજુ દીદી, બ્ર.કુ. ગીતા દીદી
સંકલ્પથી સિધ્ધિ તરફ જવાના સોનેરી સુત્રો
- હું શકિતશાળી આત્મા છું
- હું હંમેશા શાંત અને સ્થિર છું
- હું હંમેશા ખુશ રહુ છુ
- હું લિડર અને નિશ્ર્ચિત છું
- લોકોની વાતનો મારા પર પ્રભાવ પડતો નથી
- મારૂ શરીર સ્વસ્થ અને નિરોગી છે તેમજ રહેશે
- મારૂ સુગર અને બ્લડપ્રેશર બિલકુલ સામાન્ય છે
- હુ બધાને સ્વીકારૂ છું, મને બધા સ્વીકારે છે
- મારો સંબંધ દરેક સાથે મજબુત છે
- સફળતા મારા માટે નિશ્ર્ચિત છે
- મારૂ ઘર સ્વર્ગ છે
- મારૂ જીવન સુરક્ષીત છે
- મારૂ ભાગ્ય શ્રેષ્ઠ છે
- પરમાત્માની શકિત અને દુવાનું કવચ મારે ચારે તરફ રહેલું છે.
વેપાર ધંધા સાથોસાથ સેવા - ધર્મ - આધ્યાત્મમાં અગ્રેસર બાલાજી વેફર્સ પરિવાર
રાજકોટ : સૌરાષ્ટ્રનું ગૌરવ એવું બાલાજી વેફર્સ દ્વારા દેશ દુનિયામાં પોતાના અલગ અલગ ફૂડ પ્રોડકટસ માટે જાણીતું છે. તેમની ક્વોલિટી બેઝડ પ્રોડકટ, પેકેજ, સહિતની ખાસિયતને કારણે તેઓ વેપાર ધંધામાં અનેક હરીફો કરતા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આગળ નીકળી ગયા છે. પરંતુ ફકત વેપાર ધંધો જ નહિ આધ્યાત્મ, ધર્મ અને સેવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યું છે વિરાણી - બાલાજી પરિવાર. ભીખાભાઈ, ચંદુભાઈ અને કનુભાઈ વિરાણી પરિવાર દ્વારા આયોજિત અને તેમના સહયોગ થી રાજકોટમાં બી.કે.શિવાનીદીદીનો જબરદસ્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 8000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.