રાજકોટ,તા.23 : સંત કબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતો યુવાન ક્રિકેટના સટ્ટામાં હારી જતા લેણદારો ઉઘરાણી માટે ઘરે આવતા યુવકના પિતાએ પુત્ર સાથે સંબંધ નહીં હોવાની નોટિસ પ્રસિદ્ધ કરાવી ઘરેથી હાંકી કાઢ્યો હતો. પરિવારે તીરસ્કાર કરેલા યુવાને મોટામવામાં રહેતા મિત્રના ઘરે આશરો મેળવી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, સંત કબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા મનીષ ભીખુભાઈ ભલસોડા નામનો 40 વર્ષનો યુવાન મોટામવા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સોસાયટીમાં પોતાના મિત્રના ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મનીષભાઈ ભલસોડા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે મનીષ ભલસોડા ક્રિકેટના સટ્ટામાં રૂપિયા હારી જતા દેણું વધી ગયું હતું.
લેણદારો ઉઘરાણી માટે ઘરે આવતા હોવાથી મનીષ ભલસોડાના પિતા ભીખુભાઈ ભલસોડાને સારું નહીં લાગતા પુત્ર મનીષભાઈ ભલસોડા સાથે કોઈ સંબંધ નહીં હોવાની ન્યૂઝ પેપરમાં નોટિસ પ્રસિદ્ધ કરાવી મનીષભાઈ ભલસોડાને ઘરેથી કાઢી મૂક્યો હતો. પિતાએ ઘરેથી હાંકી કાઢતા છેલ્લા પાંચેક વર્ષથી રખડતું ભટકતું જીવન જીવતા મનીષભાઈ ભલસોડાએ મોટામવામાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા પોતાના મિત્રના ઘરે બે દિવસ આશરો મેળવ્યો હતો અને મિત્રના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.