► રોઇંગમાં પણ ભારતને વધુ બે કાંસ્યચંદ્રક: શૂટીંગની વ્યકિતગત ઇવેન્ટમાં બે ભારતીય ખેલાડી ફાઇનલમાં
હાંગઝોઉ તા.25 : ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. રમતોત્સવના બીજા દિવસે ભારતની શુટીંગ ટીમે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય રેટીંગમાં પણ બે કાંસ્યચંદ્રક જીત્યા હતા. 10 મીટર એર રાયફલમાં દિવ્યેશસિંહ પંવાર, અશ્વર્યપ્રતાપસિંહ તોમર તથા રૂદ્રાક્ષ પાટીલની ત્રિપુટીની ટીમે ભારતને પ્રથમ ગોલ્ડમેડલ અપાવ્યો હતો. સીરીઝ ત્રણ બાદ ભારતીય ટીમ ત્રીજા નંબરે હતી. ચીન આગળ હતુ
પરંતુ ચોથી સીરીઝમાં ભારતીય ટીમે દમદાર અને અભૂતપૂર્વ રીતે વાપસી કરીને પ્રથમ નંબર મેળવી લીધો હતો અને છઠ્ઠી અંતિમ સીરીઝ સુધી જાળવી રાખ્યો હતો. ગોલ્ડ મેડલ જીતવાની સાથે ભારતીય ટીમે નવો વિશ્વ રેકોર્ડ પણ રચી દીધો હતો. 1893.7 પોઈન્ટ હાંસલ કર્યા હતા અને આ સાથે ચીનનો 1893.3 નો અગાઉનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. હવે વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે થઈ ગયો છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાએ સિલ્વર તથા ચીને બ્રેન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ત્રિપુટીમાંથી સૌથી વધુ સ્કોર 19 વર્ષિય રૂદ્રાક્ષ પાટીલે કર્યો હતો.
વર્લ્ડ ચેમ્પીયનશીપમાં પણ તે ગોલ્ડ મેડાલીસ્ટ છે અને પેરિસ ઓલીમપીક માટે ક્વોલીફાઇડ કરી ચૂક્યો છે, તેણે 632.5 પોઇન્ટનો સ્કોર કર્યો છે. આ સિવાય ભારતના બે શૂટર પણ વ્યકિતગત ઇવેન્ટમાં ફાઇનલમાં પહોંચી ગયા છે. રૂદ્રાક્ષ 3જા, ઐશ્વર્ય પમા તથા દિવ્યાંશ 8મા નંબરે છે. જો કે એક દેશના બે જ ખેલાડી ફાઇનલમાં એન્ટ્રી લ શકતા હોવાથી દિવ્યાંશની બાદબાકી થઇ હતી. ગેમ્સના બીજા દિવસે ભારતે રોઇંગમાં પણ બે કાંસ્યચંદ્રક મેળવ્યા હતા. સતનામસિંઘ, પરમીંદરસિંઘ, સુખમીતસિંઘ તથા જાકરખાને કાંસ્યચંદ્રક મેળવ્યા હતાં. એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારતે પાંચ ચંદ્રક જીત્યા હતા આજે બપોર સુધીમાં જ વધુ 3 મેડલ મેળવ્યા હતાં.