નવી દિલ્હી તા.25 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પીએફ ખાતામાંથી ધન ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે ક્ષેત્રિય કાર્યાલય રોકડના ઉપાડનાં દાવાઓને એકથી વધુ વાર ફગાવી નહીં શકે, સાથે સાથે દાવાઓનો નિર્ધારીત સમયમાં નિકાલ કરવો પડશે. આ મામલે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
સ્પષ્ટ કારણ બતાવવું પડશે: આ બારામાં ઈપીએફઓને ફરિયાદો મળી રહી હતી. જેના પર સંગઠને જાણકારી મેળવી છે. ક્ષેત્રીય કાર્યાલયોને નિર્દેશ જાહેર કરીને એ નિશ્ચીત કરવાનું કહ્યું છે કે ઉપાડના દાવા પર ઝડપથી કામ કરવામાં આવે. એક જ દાવાને અનેક આધારે ફગાવી ન દેવામાં આવે દરેક દાવાને પહેલીવારમાં જ પુરી રીતે તપાસવામાં આવે. જો દાવાને ફગાવવામાં આવે તો તેનું સ્પષ્ટ કારણ સભ્યને બતાવવામાં આવે. ઈપીએફઓના 6 કરોડથી વધુ સભ્યો છે.
કયારે ઉપાડ કરી શકાય: પીએફ ખાતામાં જમા રકમને આંશીક રીતે કે પુરી રીતે ઉપાડી શકાય છે. જયારે કર્મચારી સેવા નિવૃત થઈ જાય છે કે સતત બે મહિનાથી વધુ સમય બેરોજગાર રહે છે ત્યારે પુરા પૈસા ઉપાડી શકાય છે.જયારે ઈમરજન્સી સારવાર, લગ્ન, હોમલોનનું પેમેન્ટ જેવી પરિસ્થિતિમાં પણ આંશીક ઉપાડની મંજુરી હોય છે.