♦ ટીમ ઈન્ડિયાનું કુમકુમ તિલક, ઢોલ નગારા - ગરબા ખેસથી હોટલ સયાજીમાં શાહી સ્વાગત
♦ ઈન્દોરથી રાજકોટ ખાસ ચાર્ટર વિમાનમાં બપોરે આગમન : કોહલી - રોહિત મુંબઈથી આવ્યા, કુલદીપ સાંજે દિલ્હીથી આવશે ; આવતીકાલે બન્ને ટીમની પ્રેક્ટિસ : આજે મોટાભાગના ખેલાડી આરામ કરશે, તો અમુક જીમમાં પરસેવા પાડશે
♦ ટીમ ઇન્ડિયા માટે ઓસ્ટ્રેલીયાને સિરીઝ વ્હાઈટવોશ કરવાની તક : ટીમ ઇન્ડિયાના બેટરોની રનોની આતશબાજી જોવા રાજકોટના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ ; બન્ને ઇનિંગ મળીને 600+ રન થઈ શકે તેવી બેટિંગ-વિકેટ પીચ
રાજકોટ,તા.25
શહેરમાં હવે ત્રણ દિવસ માટે ક્રિકેટ ફીવર છવાશે. બુધવારે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા શ્રેણીનો ત્રીજો અને છેલ્લો મેચ રાજકોટમાં રમાવવા જઈ રહ્યો છે ત્યારે આજે બન્ને ટીમનું ચાર્ટર્ડ વિમાનમાં ઈન્દોર થી રાજકોટ હીરાસર એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્રીજી વનડે માટે સિનિયર ખેલાડીઓ જેમ કે વિરાટ, રોહિત, કુલદીપ, હાર્દિક અને બુમરાહ પણ ટીમ સાથે જોડાયા હતા, જોકે તેઓ ટીમ સાથે ઈન્દોર થી નહિ પણ મુંબઈ અને દિલ્હી થી આવી પહોંચ્યા હતા.
ટીમ ઈંડિયાનું હોટલ સયાજીમાં કુમકુમ તિલક, ઢોલ નગારા અને ગરબા સાથે ભવ્ય પરંપરાગત સ્વાગત કરાયું હતું. તો કાંગારુ ટીમ ફોરચ્યુન હોટલ પહોંચી હતી જ્યારે તે આગામી ત્રણ દિવસ રોકાણ કરશે.
બન્ને ટીમના સભ્યો આવતીકાલે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરશે. સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ તો બપોર બાદ ભારતીય ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. આજે મોટાભાગના સભ્યો આરામ કરશે, તો અમુક હોટલના જીમમાં પરસેવા પાડશે.
ટીમ ઇન્ડિયા જ્યારે ત્રીજી વનડે માટે મેદાનમાં ઉતરશે ત્યારે ઓસ્ટ્રેલિયા સામે 3-0 થી વ્હાઈટ વોશ કરી સિરીઝ જીતવા માટે ફોર્મમાં ઉતરશે. હાલ ભારતીય ટીમના બેટ્સમેન જબરદસ્ત ફોર્મમાં છે અને લોકોને પણ રનોનો વરસાદ જોવામાં ખૂબ ઉત્સાહ છે. હાલ ઓફ્લાઈન ટિકિટ એસ.સી.એ સ્ટેડિયમ પર થી મળી શકશે.
ઓફલાઈન ટિકિટ મેળવી શકાશે
પેટીએમ મોબાઈલ એપ, વેબસાઈટ પર મેચની ટીકીટ ઉપલબ્ધ છે ત્યારે ઓફ્લાઈન ટિકિટ ખરીદી કરવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ જામનગર રોડ, ખંઢેરી ખાતે ની ટિકિટ બારી થી સવારે 9 થી સાંજે 5 વચ્ચે મળશે.
સ્ટેડિયમ પર ડીજે મ્યુઝિકનો જબરો માહોલ
સ્ટેડિયમ પર મેચ દરમિયાન દરેક ચોગ્ગા, છગ્ગા, વિકેટ અને ઓવર ની વચ્ચે ડીજે દ્વારા લેટેસ્ટ ગીતો વગાડવામાં આવશે. સૌરાષ્ટ્રનો લોકપ્રિય ડીજે અક્કી દ્વારા મ્યુઝિક પરફોર્મન્સ થશે. વનડે મેચ બુધવાર 27 સપ્ટેમ્બરના રોજ બપોરે 1.30 કલાકે શરૂ થશે. જ્યારે પ્રેક્ષકો માટે સવારે 11.30 કલાકે થી એન્ટ્રી શરૂ થશે.
પીચ રિપોર્ટ
હાલ છેલ્લા બે થી ત્રણ દિવસ થી વરસાદી ઝાપટાંને કારણે આઉટફિલ્ડ ગ્રીન અને ફાસ્ટ થઈ ગયું છે. પીચને સલામતી રીતે ઢાંકી દેવામાં આવી હતી. ત્યારે રાજકોટની પીચ જોતા બેટિંગ વિકેટ હોય તેવું જણાય છે અને જો બને ટીમના બેટ્સમેન ફોર્મમાં રમે તો કુલ 600+ રન થવાની સંભાવના છે. લોકો માટે એક જબરો રોમાંચ બની શકે છે.
ટીમ ઇન્ડિયાના ક્યાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આર. અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ