કલ્યાણપુર પંથકમાં પરપ્રાંતિય પરિવારને સળગાવી દેવા પ્રયાસ

25 September 2023 11:44 AM
Jamnagar Crime
  • કલ્યાણપુર પંથકમાં પરપ્રાંતિય પરિવારને સળગાવી દેવા પ્રયાસ

ગોરાણા ગામેથી ચાલ્યા જવાનું કહી હુમલો: રાત્રે યુવાન, પત્ની, બાળકો પર જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાડી: મહિલા સહિત પાંચ સામે ગુનો

જામ ખંભાળિયા, તા.25
કલ્યાણપુર પંથકના ગોરાણા ગામે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા પરપ્રાંતીય શ્રમિક યુવાનને ખેતીનું કામ છોડી અને અહીંથી ચાલ્યા જવાનું કહી, આ જ વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ સળગાવી નાખવાનો પ્રયાસ કરીને ઈજાઓ પહોંચાડવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના ખરગોણ જિલ્લાના જીરનીયા તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામમાં રહી અને સ્થાનિક રહીશ એવા માલદેભાઈ મેરામણભાઈ ગોરાણીયાની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા ગુડિયા ભાદુભાઈ ભીલ નામના 25 વર્ષના યુવાન દ્વારા બાલુભાઈ કારાવદરા પાસેથી ભાગમાં મેળવી અને માલદેભાઈ ગોરાણીયાની જમીન વાવવા માટે રાખી હતી.

આ બાબતે માલદેભાઈ સાથે અગાઉનો વિવાદ તથા કોર્ટમાં ચાલતા કેસ સંદર્ભે આરોપીઓ જેસા વેજા મોઢવાડિયા, મણીબેન જેસાભાઈ મોઢવાડિયા, ભીમાભાઈ જેસાભાઈ, મનીષાબેન જેસાભાઈ તેમજ તેની સાથેના એક અજાણ્યા શખ્સ દ્વારા આ અંગેનો ખાર રાખી અને ખેત મજૂર એવા ગુડિયા ભીલને જમીન છોડીને ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું.

આ પ્રકરણમાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને એક સંપ કરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો ધારણ કરીને શનિવારે મોડી રાત્રીના સમયે ધસી આવ્યા હતા. અહીં આવેલા આરોપીઓએ રાત્રિના સમયે સૂતેલા ગુડિયા ભીલ, તેમના પત્ની તથા બાળકોને જાનથી મારી નાખવાના ઈરાદાથી તેમના ઉપર કોઈ જ્વલનશીલ પદાર્થ ફેંકી અને આગ લગાડી દીધી હતી.

આ બનાવ બનતા શ્રમિક પરિવારજનો બહાર નાસી છૂટ્યા હતા. પરંતુ આરોપીઓએ શ્રમિક એવા ગુડિયા ભીલને બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, તેમની સાથે રહેલા સાહેદ મુકેશભાઈને પણ બેફામ માર મારી, "જમીન છોડીને ચાલ્યા જાઓ નહિતર જાનથી મારી નાખીશું"- તેવી ધમકી આપ્યાની ફરિયાદ ખેત મજૂર એવા ગુડિયા ભાદુભાઈ ભીલ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 307, 325, 324, 323, 506 (2) તથા રાયોટીંગ અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. યુ.બી અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement